Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

હવે ટ્રાફિક નિયમનના ભંગ બદલ સીધો દંડ ઓનલાઇન વસુલાત : આનાકારી કર્યે ઉતરશે વીડિયો:અમદાવાદમાં 300 મશીનો આવ્યા

ટ્રાફિક ભંગના કેસોમાં ઇ-મેમો અને ચલણના સ્થાને પોલીસની ઓનલાઇન પેમેન્ટ માટે સુવિધા : સુરત અને હવે અમદાવાદ બાદમાં રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતના મોટા શહેરોમાં પોલીસ પાસે હવે પીઓએસ મશીન હશે

અમદાવાદ : પહેલાં સુરત અને હવે અમદાવાદ તેમજ ત્યારપછી રાજ્યના રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતના મોટા શહેરોમાં પોલીસ પાસે હવે પીઓએસ મશીન હશે કે જેથી ટ્રાફિક નિયમનના ભંગ બદલ સીધો દંડ ઓનલાઇન ભરવાનો રહેશે. ટ્રાફિક પોલીસને હપ્તો આપવાનો નથી. કોઇ ચલણ ફાટવાનું નથી કે કોઇ ડાયરીમાં નોંધવાનું નથી. સ્થળ પર સીધું ઓનલાઇન પેમેન્ટ વસૂલ કરાશે.

ટ્રાફિક ભંગના કેસોમાં ઇ-મેમો અને ચલણના સ્થાને પોલીસને ઓનલાઇન પેમેન્ટ માટેની સુવિધા કરી આપવામાં આવી છે. પહેલાં આવો પ્રયોગ સુરતમાં કરવામાં આવ્યો છે અને હવે અમદાવાદમાં પણ આવો પ્રયોગ શરૂ થયો છે. આ પદ્ધતિ સફળ થશે તો રાજ્યના બીજા મોટા શહેરોમાં પણ આ પ્રયોગ શરૂ કરવા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યો છે.

શહેરોની ટ્રાફિક પોલીસ ડિજીટલ બની ચૂકી છે. પોલીસ વિભાગે ટ્રાફિક પોલીસના હાથમાં પીઓએસ મશીનો પકડાવી દીધા છે તેથી તેમની હપ્તાબાજી બંધ થશે. વાહનચાલકો પાસેથી ટ્રાફિક ભંગના ગુના બદલ રોકડ રકમ લઇ શકશે નહીં. ટ્રાફિક પોલીસમાં પારદર્શિતા આવી રહી છે.

આ મશીનની મદદથી ટ્રાફિક પોલીસ કાર્ડ દ્વારા, યુપીઆઇ, ક્યુઆર કોડ અને ભીમ એપ્લિકેશનની મદદથી વાહનચાલકોને સ્થળ પર રૂપિયા ભરાવશે. કોઇપણ દંડની રકમ પોલીસને ઓનલાઇન પેમેન્ટમાં આપવાની રહેશે કે તેથી રોકડ રૂપિયાના વ્યવહારો બંધ થશે. પોલીસ વિભાગે આ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે સમજૂતિ કરાર કર્યા છે.

અમદાવાદ માટે પ્રાથમિક તબક્કે 300 મશીન લેવામાં આવશે. આ મશીનમાંથી દંડ વસૂલવા બદલ વાહનચાલકને રસીદ પણ આપવામાં આવશે. આ મશીનની બીજી ખાસિયત એવી છે કે દંડ વસૂલ કરવામાં કોઇ વાહનચાલક આનાકાની કરશે તો તેનો ફોટો અને વિડીયો પણ ઉતારી શકાશે.

(11:24 pm IST)