Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

આફત ટળી : ગુજરાત પર હવે વાવાઝોડું નહીં ત્રાટકે

હવામાન વિભાગની સત્તાવાર જાહેરાતઃ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ વધતાં સંભવિત વાવાઝોડાની સૌરાષ્ટ તેમજ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અસર

અમદાવાદ, તા. ૨: ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે, ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું નહીં ટકરાય. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૬ કલાક બાદ ડીપ ડિપ્રશેન સાયક્લોનમાં અને ૧૨ કલાક ડીપ ડિપ્રેશન સિવીયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. આવતીકાલે વાવાઝોડું દમણ અને મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થશે. આ સમય દરમિયાન પવનની ગતિ ૧૦૦-૧૧૦ કિમી પ્રતિકાલકની રહેશે.

   હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય પરંતુ તેની અસરને કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન આગામી ૧૨ કલાક વાવાઝોડામાં ફેરવાઈ જશે. હાલ આ ડીપ ડિપ્રેશન સુરતથી ૬૭૦ કિલોમટીર દૂર છે અને ૬ કલાકે ૧૧ કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. સંભવિત વાવાઝોડની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૨૦૦ થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સુરતના ડુમસ, સુવાલી, ડભારી બીચ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારીનો ઉભરાટ બીચ પણ ખાલી કરાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહેલા સંભવિત વાવાઝોડાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળી રહી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લા તંત્ર સાબદુ થઈ ગયું છે. એનડીઆરએફની ટીમ પણ સુરત પહોંચી ગઈ છે.

(12:04 am IST)