Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમદાવાદમાં સસ્‍તા માસ્‍કની લાલચ આપીને રૂ.17.પ0 લાખની છેતરપિંડી કરનાર શખ્‍સ ઝડપાયો

અમદાવાદ: કોરોના મહામારીમાં સસ્તા માસ્કની લાલચ આપી રૂપિયા 17.50 લાખની ઠગાઈ આચરનાર ઠગને ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધો છે. આરોપીએ બીજી ટાવર ખાતે આંગડિયા પેઢીની ઓફીસમાં ફરીયાદી સાથે મિટીંગ કરી એડવાન્સ રકમ પેટે રૂપિયા 17.50 લાખ લઈ માસ્ક આપ્યા વગર ઓફીસ અને ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચે ઘાટલોડીયા કે.કે.નગર ખાતે ભવિન સોસાયટીમાં રહેતાં અતુલ લક્ષ્મીચંદ ભટ્ટ (ઉં,63)ની ધરપકડ કરી હતી. અતુલભાઈએ વાપી ખાતે રહેતા પોતાના ઓળખીતા સતીષભાઈ મારફતે ફરિયાદીને 2 લાખ માસ્ક માત્ર રૂપિયા 25 લાખમાં એટલે રૂપિયા 12.50નું એક માસ્ક આપવાનો વાયદો કર્યો હતો. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા પોતાની આંગડિયા પેઢીની ઓફીસમાં મિટીંગ કરી હતી. ફરિયાદી આંગડિયા પેઢીની ઓફીસ જોઈ વિશ્વાસમાં આવી ગયા હતા.

આરોપીને એડવાન્સ રૂપિયા 17.50 લાખ આપ્યા હતા. માસ્ક ના મળતા ફરિયાદીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 21 માર્ચના રોજ ફરિયાદ કરી હતી. સતીષભાઈએ એડવાન્સ રકમમાંથી આરોપી અતુલને માત્ર રૂપિયા અઢી લાખ આપ્યાનું પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું છે. બાકીની રકમ સતિષભાઈ પાસે હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદીને દીપેન પટેલ તરીકે ઓળખ આપનાર સતીષભાઈની શોધખોળ હાથ ધરી છે.

આરોપી અતુલ ભટ્ટને અગાઉ 2001ની સાલમાં સીબીઆઈએ બેંક હાઉસિંગ લોનના રેકેટમાં પકડ્યો હતો. આ ઉપરાંત એલિસબ્રિજ,નવરંગપુરા અને ઘાટલોડીયા ખાતે ઠગાઈના 22 જેટલા ગુનામાં આરોપી પકડાયો છે.

(5:02 pm IST)