Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મુળ જસદણના અને સુરતમાં લોખંડના વ્‍યવસાય સાથે સંકળાયેલા વેપારીનો લોકડાઉનમાં પૈસા છુટા ન થતા આર્થિક સંકડામણથી કંટાળીને આપઘાત

સુરત: કોરોનાએ વધારે એક પરોક્ષ રીતે જીવ લીધો છે. વાયરસનાં કારણે લાગેલા લોકડાઉનમાં તમામ ધંધા રોજગાર ઠપ્પ છે. જેના માટે વેપાર-ઉદ્યોગ બંધ રહેતા મોટા ભાગનાં વેપારીઓની સ્થિતી વિપરિત છે. તેવામાં આર્થિક ચક્ર જ ફસાયેલું છે. જેના કારણે વેપારીઓને ન તો ક્યાંયથી પૈસા આવે છે કે ન તો તેઓ ચુકવી શકે છે. જો કે સુરતનાં વેપારી માટે આ આર્થિક બોજો અસહ્ય બનતા તેણે રસ્તો ટુંકાવ્યો હતો.

કોરોનાને કારણે વેપારીઓ આર્થિક અને માનસિક બંન્ને રીતે ભાંગી પડ્યા છે. તેવામાં ધંધો અને માનસિક સંતુલન બંન્ને જાળવવા ખુબ જ મુશ્કેલ બન્યા છે. સુરતમાં મુળ રાજકોટનાં જસદણનાં અને સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજ ચોક પાસેની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા 42 વર્ષીય પ્રકાશભાઇ ધનજીભાઇ વેકરીયા સરથાણા રોડ સીમાના નાકા પાસે આવેલી ધર્મરાજ સોસાયટીમાં લોખંડનો ધંધો કરે છે. જો કે લોકડાઉનનાં કારણે તેમનાં પૈસા ફસાયેલા હતા. તેને વારંવાર ફોન કરવા છતા પૈસા છુટા નહી થતા આર્થિક સંકડામણથી કંટાળેલા વેપારીએ આખરે જીવન ટુંકાવ્યું હતું.

જો કે ઝેરી દવા ગટગટાવ્યા બાદ તેમણે પોતાનાં એક મિત્રને ફોન કરીને જણાવ્યું હતું કે, મે દવા પીધી છે અને હું જાઉ છું. તમે મારા પરિવારને સાચવજો. જેના પગલે સંબંધી અને પરિવાર દુકાને દોડી ગયો હતો. જ્યાંથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ ખાતે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા સરથાણા પોલીસ પણ દોડી આવી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

(4:28 pm IST)