Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

વરસાદ-વાવાઝોડાની સંભાવનાના પગલે વીજ કંપનીઓ સજ્જ : 'વીજળિક' ઝડપે મરામત કરાશે

૨૪ કલાક કંટ્રોલરૂમ : વધારાના થાંભલા-વાયરનો જથ્થો અને ટીમ તૈયાર

ગાંધીનગર,તા.૨: દેશના હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્ર ઉપરથી ગુજરાત રાજયના દરિયાકાંઠે ચોથી જૂને સંભવિત પણે ત્રાટકનારા 'નિસર્ગ' વાવાઝોડા સામે ટક્કર આપવા માટે રાજયની વીજકંપનીઓએ તમામ તૈયારી કરી લીધી છે. રાજયની દરિયાઇ પટ્ટી ઉપર આપવામાં આવેલા ને 'રેટ સિગ્ન' ધ્યાને રાખીને સમગ્ર રાજયમાં વિજપુરવઠાની આપૂર્તિ સતત જળવાઈ રહે તે માટે જરૂરી વીજવ્યવસ્થા, વીજ વિતરણ અને વીજળીની જરૂરી સપ્લાય માટે રાજય સરકારની તમામ વીજકંપનીઓ સુસજ્જ હોવાનો વિશ્વાસ રાજયના ઊજાર્વિકાસ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે વ્યકત કર્યો હતો.

શ્રી સૌરભભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે, 'નિસર્ગ'વાવાઝોડા સામે વીજવ્યસ્થાપનમાં કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય અને તમામ પ્રકારની મુશ્કેલીઓ સામે લડત આપવા માટે રાજયની વીજકંપનીઓ તૈયાર છે. 'નિસર્ગ' વાવાઝોડાને કારણે આવનારા કેટલાક દિવસોમાં ભારેથી અતિ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાસ કરીને રાજયના દરિયાઈ વિસ્તારોમાં પડે તેવી પૂરતી સંભાવના છે. આ પરિસ્થતિમાં સતત ૨૪ કલાક વીજપુરવઠો તમામ દિવસો માટે ઉપલબ્ધ બની રહે અને ખાસ કરીને હોસ્પિટલોને આ અંગેની અગવડ ઉભી ન થાય તે માટે 'ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ'' તથા તેની સંલગ્ન કંપનીઓ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એટલું જ નહિ, વાવાઝોડાના આ જોખમ સામે લડત માટે જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી દેવામાં આવી.

 GUVNLની તમામ સબસિડરી કંપનીઓ દ્વારા અગાઉથી જ ૨૪ ૭ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.

 આ તમામ સબસિડરી કંપનીઓ દ્વારા નોડલ ઓફિસર્સની નિયુકિત કરી દેવામાં આવી છે, જે ગ્રાઉન્ડ-લેવલ ઉપર જો વીજપુરવઠો ખોરવાશે અથવા વીજ આપૂર્તિમાં કોઈપણ પ્રકારની તકલીફ થશે તો તેના નિવારણ માટે તાત્કાલિક ઉકેલ લાવવામાં મદદરૂપ થશે.

 આ તમામ નોડલ અધિકારોને રાજયની પ્રત્યેક કોવિડ હોસ્પિટલ્સને પ્રાથમિકતાના ધોરણે વીજપુરવઠો આપવા ''ટોચ અગ્રતા'' આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

 તમામ ફીડર પાવર સપ્લાઇને હોસ્પિટલ્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, વોટર વર્કસ, સરકારી કચેરીઓ, ટેલિકોમ ઓફિસ સહિતના મહત્વના સ્થળોએ પ્રાથમિકતાના ધોરણ વીજપુરવઠો આપવાની સાથે વીજવિતરણમાં કોઈપણ અડચણ ઉભી થાય તો તેને તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરવા અંગેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.

 જયાં-જયાં વાવાઝોડાની વધુ અસર થવાની સંભાવના છે તેવા સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી સંસાધનો : ટ્રાન્સફોર્મર્સ, કન્ડકટર્સ, કેબલ્સ, ઇન્સુલેટર્સ સહિતના સાધનોનો પૂરતો સ્ટોક કરી દેવામાં આવ્યો છે.

 PSC થાંભલાઓ પણ જયાં વાવાઝોડાની વધુ અસરની શકયતાઓ છે ત્યાં પૂરતી માત્રામાં કોઈપણ પ્રકરની ઇમર્જન્સીને પહોંચી વળવા પૂરતી સંખ્યામાં રાખવામાં આવ્યા છે.

 ૬૮૩ કોન્ટ્રાકટર્સની ટિમો લગભગ ૩૭૬૩ની સંખ્યામાં માનવબળ સાથે કોઈપણ ઇલેકિટ્રક પોલ તૂટી જાય, ઉભા કરવા કે જરૂરી ઇલેકિટ્રક નેટવર્ક રીપેરીંગના કાર્ય માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે.

 રાજયના તમામ DISCOMsના ૧૦૪ ડિવિઝનોમાં પ્રત્યેક ડિવિઝનને એક કોન્ટ્રાકટરની ટિમ સ્ટેન્ડ બાયમાં રહેવા ફાળવી દેવાઈ છે. જે પળભરનો પણ વિલંબ કર્યા વગર અસરગ્રસ્ત વિસ્તારમાં તુરંત તૈનાત થઇ જશે.

 જરૂરી સુરક્ષા સાથે વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તમામ અધિકારોને સૂચિત કરી દેવામાં આવ્યા છે.

 આ સાથે તમામ નોડલ ઓફિસર્સને સ્થાનિક સત્તાવાળાઓ સાથે પણ સતત સંપર્કમાં રહીને કાર્ય કરવા સૂચિત કરવામાં આવ્યા છે.

(4:04 pm IST)