Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મે મહિનામાં કોરોનાએ અમદાવાદમાં દર ત્રણ કલાકે બે નાગરિકનો ભોગ લીધો

ભારે ગરમી વચ્ચે પણ શહેરમાં દર કલાકે ૧ર થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા

અમદાવાદ તા. રઃ શહેરમાં હવે પ્રી-મોન્સૂન એકિટવિટીનો પ્રારંભ થયો છે. સોમવારે અનેક વિસ્તારમાં તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર ઝાપટું તૂટી પડયું હતું. આ વખતે દેશભરમાં ચોમાસું રાબેતા મુજબ હોઇ અમદાવાદમાં પણ લોકો ભારે ગરમીથી ત્રસ્ત થઇને ચાકડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. વરસાદની ઋતુમાં કોરોના કાબૂમાં આવશે કે કેમ તે અંગે કોઇ પાસે કોઇ જ માહિતી નથી, પરંતુ ભારે ગરમીના મે મહિનામાં કોરોના બેકાબૂ બન્યો હતો, કેમ કે મે મહિનામાં દર ત્રણ કલાકે બે અમજદાવાદીનો કોરોના ભોગ લીધો હતો.

અમદાવાદમાં કોરોનાનો કાળો કેર યથાવત જળવાઇ રહ્યો છે. હવે તો અનલોક-૧ દરમિયાન શહેરભરમાં જાહેરમાં માસ્ક ન પહેરતા લોકો તેમજ સોશિયલ ડિસ્ટસ્ટિંગની અવહેલના કરનારા લોકોથી કોરોનાના કેસ સતત વધતા જ જવાના છે તેમાં કોઇ મીનમેખ છે અનેસોમવારના જૂન મહિનાના પ્રથમ દિવસે શહેરમાં એક સાથે ૩૧૪ નવા કેસ નોંધાયા હતા તેમજ રર દર્દી મૃત્યુ પામ્યા હતા. લોકડાઉન હળવું કરાતા કેસની સંખ્યામાં વધારો થયો હતો.

બીજી તરફ મે મહિનામાં કોરોનાનો આતંક જળવાઇ રહ્યો હતો. મે મહિનામાં કોરોનાથી ૬૯૩ દર્દીનાં મૃત્યુ થયાં હતાં એટલે કે દર ત્રણ કલાકે બે દર્દી મરણને શરણ થયા હતા. આમ મૃત્યુના મામલે મે મહિનો તો માર્ચ અને એપ્રિલ મહિના કરતાં પણ વધુ બિહામણો પુરવાર થયો હતો.

જયારે મે મહિનામાં કોરોનાના સત્તાવાર ૯,૧પ૪ કેસ મ્યુનિ. તંત્રના ચોપડે નોંધાતાં કેસના મામલે પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. શહેરમાં દર કલાકે બારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. દર કલાકે કેસનો આંકડો કોઇ પણ સમજદાર નાગરિકના હોશ ગાયબ કરી દે તેવો જ છે.

(4:03 pm IST)