Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ખાનગી બસોને નોનયુઝમાં દર્શાવવાની અને એડવાન્સ વેરો ભરવાની મુદતમાં વધારો

કોન્ટ્રાકટ કેરેજ બસોને તા. ૯ સુધી નોન યુઝમાં દર્શાવી શકાશે, વેરો તા.૨૫ સુધી ભરી શકાશે

ગાંધીનગર,તા.૨ : વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે કોવિડ-૧૯ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈને કોન્ટ્રાકટ કેરેજ બસોને જુન ૨૦૨૦ સુધી નોન યુઝ માટે રજુ કરવાની મુદ્દત તા. : ૦૯/૦૬/ ૨૦૨૦ સુધી અને નોનયુઝ પેટેનો એડવાન્સ વેરો ભરવાની મુદ્દત તા. :૨૫/૦૬/૨૦૨૦ સુધી લંબાવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

મંત્રી શ્રી ફળદુ એ ઉમેર્યુ કે,કોવીડ-૧૯ સંક્રમણની પરિસ્થિતિ અને તેના કારણે કોન્ટ્રાકટ કેરેજ બસોના ઓપરેટરોને થયેલ નુકશાનને ધ્યાનમાં રાખી સરકારે સામાં પગલે ૨૫/૦૩/૨૦૨૦ ના ઠરાવથી કોન્ટ્રાકટ કેરેજ બસોને નોન યુઝમાં મુકવાની સરળ પધ્ધતિ નક્કી કરી હતી. આ પધ્ધતિ મુજબ પેસેન્જર બસ ઓપરેટરોને એડવાન્સ ટેક્ષ ભરવામાંથી મુકિત આપવામાં આવી હતી.આ એડવાન્સ ટેક્ષ ભરવાની મુકિત ૩૧/૦૫/૨૦૨૦ સુધી અમલમાં હતી.

તેમણે ઉમેર્યુ કે, લોકડાઉનના કારણે કોન્ટ્રાકટ કેરેજ બસોને વ્યવસાય થયેલ નથી, આથી કોન્ટ્રાકટ કેરેજ બસોનાં વેરા ભરવા તથા ટેક્ષ ભરવાની તારીખ લંબાવવા બાબતની રજૂઆત બસ ઓપરેટરો દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને વાહન વ્યવહાર મંત્રી શ્રી સમક્ષ કરવામાં આવી હતી. તેને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના માર્ગદશન હેઠળ આ મહત્વનો નિર્ણય કરાયો છે.

તેમણે કહ્યુ કે રાજય સરકાર દ્વારા બસ ઓપરેટરોની રજૂઆતને સહાનુભુતિપૂર્વક વિચારણા કરી કોન્ટ્રાકટ કેરેજ બસોને જુન ૨૦૨૦ સુધી નોન યુઝ માટે રજુ કરવાની મુદ્દત તા . : ૦૯/૦૬/૨૦૨૦ સુધી અને નોનયુઝ પેટેનો એડવાન્સ વેરો ભરવાની મુદ્દત તા. : ૨૫/૦૬/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે.

(4:02 pm IST)