Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

હવે કલાસીસ શરૂ કરવા દેવા સંચાલકોની રજુઆતઃ સરકારને ૧૦ હજારથી વધુ ઇ-મેઇલ

રાજ્યના ૨૦ હજારથી વધુ શૈક્ષણિક કલાસીસ બંધ હોવાથી ૧ લાખ શિક્ષકો બેરોજગાર

અમદાવાદ, તા.૨: ફેડરેશન ઓફ એકેડેમિક એશેવે. ગુજરાતના પ્રમુખ વિજય મારૂ, મહામંત્રી પ્રકાશ કરમચંદાની અને સોશ્યલ મીડિયા સંયોજક હેમાંગ રાવલ (અમદાવાદ)એ કલાસીસ ખોલવાની મંજુરી આપવા માટે સંચાલકો વતી સરકારને ડીજીટલ સ્વરૂપે રજુઆત કરી છે. ૧૦ હજારથી વધુ લોકોએ સરકારને ઇમેઇલ કર્યાનું જણાવાયું છે.

લોકડાઉન-૫ (અનલોક-૧)માં વડાપ્રધાનશ્રી દ્રારા આર્થિક ગતિવિધિઓને શરુ કરવા માટે 'જાન ભી ઓર જહાન ભી' સૂત્ર અંતર્ગત તમામ ક્ષેત્રે ઉદ્યોગો અને વ્યવસાયોને શરુ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા એનો કાર્યશીલ રીતે અમલ થઇ રહ્યો છે ત્યારે ઘણાં નાના-મોટા આશરે હજારો કોચિંગ કલાસીસને સરકાર દ્વારા યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરી યોગ્ય ગાઈડલાઈન્સ મુજબ શૈક્ષણિક કાર્ય શરુ કરવાની પરવાનગી આપવામાં આવે એવી વિનંતીછે.

કલાસિસ ચાલુ કરવાની મંજુરી આપવી જોઈએ જેથી વિદેશી રોકાણકારો દ્વારા સંચાલિત ઓનલાઈન એજયુકેશન સંસ્થાઓ ભારતના શિક્ષણ જગતમાં પગપેશારો કરીને મોદીજીના વોકલ ફોર લોકલ (આત્મનિર્ભર ભારત)ના ઉદ્દેશને હાનીના પહોચાડે.ઙ્ગ  ઉપરાંત લોકડાઉનના પ્રથમ દિવસથી જ સરકારના આદેશનો ચુસ્તપણે પાલન કરતા,છેલ્લા ૨ માસ કરતા વધુ સમયથી તમામ કોચિંગ સંસ્થાનો બંધ હોય,તેમની સાથે સંકળાયેલા આશરે ૧૦,૦૦૦ થી વધુ શિક્ષકો અને સંચાલકોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. સરકાર દ્વારા જાહેર થયેલા રાહત પેકેજમાં કોચિંગ સંસ્થાઓને યોગ્ય સ્થાન આપી આર્થિક સહાય આપવા તથા સંવેદનશીલ રીતે ઘટતું કરવા  અપીલ છે. તેમજ હાલના સમયને ધ્યાને રાખીને સંસ્થાના વીજળી બીલ તથા વેરા બીલમાં પણ યોગ્ય રાહતની માંગણી કરી હતી.

સંગઠન સાથે જોડાયેલ તમામ સંસ્થાઓ કાર્ય કરવા અને નીતિ-નિયમોનું પાલન કરવા માટે સંપૂર્ણપણે કટિબધ્ધ છે. કોચિંગ કલાસમાં ફકત ૧૫ થી ૨૦ વિદ્યાર્થીઓ જ એક કલાસમાં હોય છે જેથી કરીને સોસિયલ ડિસ્ટનીંગનું પાલન પણ સરળતાથી થઇ શકે છે. તેમ રજુઆતમાં જણાવાયું છે.(૨૨.૧૪)

(10:44 am IST)