Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

બાપુની સક્રિયતાનું રિએકશન છે બોસ્કીનું પ્રમુપખદ!

શંકરસિંહજી વાઘેલા છેલ્લા ર૦ દિવસથી ફુલફોર્મમાં મેદાને પડતા ચોકકસ પરિબળોએ માર્યુ નિશાન? : હાલ તો વાઘેલા જૂથ કહે છે કે બોસ્કીને પ્રમુખપદનો નિર્ણય આવકાર્યઃ બાપુ રાષ્ટ્રીય મહામંત્રીપદે છે યથાવતઃ અંદરખાને છે ભારે નારાજગી : આજે સાંજ સુધીમાં કૈંક ધડાકા-ભડાકાની વકી

રાજકોટ, તા. ૨ :. ગુજરાત એન.સી.પી.ના પ્રમુખપદ અને રાષ્ટ્રીય મહામંત્રીનો બેવડો હોદ્દો સંભાળતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા છેલ્લા ૨૦ દિવસથી ગુજરાતના રાજકારણમાં ફુલફોર્મથી સક્રિય થતા જ ચોક્કસ સત્તાધારી પરિબળોના પ્રયાસોથી એન.સી.પી.માં રિએકશન આવ્યુ છે. પૂર્વ એન.સી.પી. પ્રમુખ જયંત બોસ્કીને ફરી ગુજરાત એન.સી.પી.નું પ્રમુખ પદ સોંપાતા બાપુ અને તેમનુ જુથ નારાજ થયાનું સ્પષ્ટપણે દેખાય છે પરંતુ હાલ તૂર્ત તો જયંત બોસ્કીના પ્રમુખપદના નિર્ણયને આવકારી રાષ્ટ્રીય મહામંત્રી પદે બાપુ યથાવત છે પરંતુ આજે સાંજ સુધીમાં કાંઈક ધડાકા-ભડાકાના એંધાણ જોવા મળી રહ્યા છે.

બાપુ છેલ્લા ૨૦ દિવસથી ટ્વીટર, ઈન્ટાગ્રામ, ફેસબુક, પ્રિન્ટ મીડીયા તથા ન્યુઝ ચેનલમાં ધબધબાટી બોલાવીને ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બાપુના નિકટવર્તી વર્તુળોમાં છાનાખૂણે એવુ ચર્ચાઈ રહ્યુ છે કે સરકાર સામે બાપુની સક્રિયતાનું રિએકશન છે જયંત બોસ્કીની વરણી !

છાનાખૂણે તો એવા પણ રાજકીય આક્ષેપો થઈ રહ્યા છે કે સત્તાધારી પરિબળોને બાપુની સક્રિયતા ખૂંચી હોવાના કારણે જ જયંત બોસ્કી માટે ચોક્કસ જગ્યાએથી પ્રયાસો થયા હોવા જોઈએ અને બાપુને રાજકીય બ્રેક લગાવવાના આશયથી જ પ્રયાસો આદરાયા છે.

એવુ મનાય છે કે છેલ્લા થોડા સમયથી શ્રમિકો, દારૂબંધી સહિતના મુદ્દે બાપુએ રિતસરનું અભિયાન ચલાવી ગુજરાતના રાજકારણમાં ફરી તેમના રાજકીય મુળીયાઓને વધુ ઉંડા બનાવવાના પ્રયાસો કરતા તેમની વિરૂદ્ધ રાજકીય કાવાદાવા આરંભાયા છે.

શંકરસિંહજી વાઘેલા ગુજરાત એન.સી.પી.નું પ્રમુખપદ શોભાવતા હતા પરંતુ એન.સી.પી. હાઈકમાન્ડે જયંત બોસ્કીને ગુજરાત એન.સી.પી.ના પ્રમુખપદે નિયુકત કરી શંકરસિંહજીને હટાવતા બાપુ ભારે નારાજ થયાનું મનાય છે.

બાપુએ તેમના ટ્વીટર હેન્ડલ પરથી એન.સી.પી.ના ઓલ ઈન્ડીયા જનરલ સેક્રેટરીનો હોદો દૂર કરી પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત લખતા એન.સી.પી. અને ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ મચી છે.

દરમ્યાન એવુ જાણવા મળે છે કે ગઈકાલે જ ગુજરાત એન.સી.પી.ના આગેવાનો બાપુને મળ્યા હતા અને રાજકીય ચહલપહલ અંગે નારાજગી વ્યકત કરી બાપુને યોગ્ય નિર્ણય કરવા માટે વિનંતી કરી હતી.જો કે શંકરસિંહજી વાઘેલાએ ગઈકાલે તેના અંગત વર્તુળો સમક્ષ હાલ જયંત બોસ્કીની નિમણૂકને આવકાર આપવા અને પોતે ઓલ ઈન્ડીયા એન.સી.પી.ના મહામંત્રી પદે પોતે ચાલુ રહેશે તેમ જણાવ્યુ છે પરંતુ મળતા અહેવાલો મુજબ ખાનગીમાં ભારે નારાજગી જોવાઈ રહી છે.

દરમિયાન અમને મળતા છેલ્લા અહેવાલો મુજબ આજે બપોર બાદ બાપુ જુથ કોઈ મોટો નિર્ણય કરી ધડાકા-ભડાકા સર્જે તો નવાઈ નહી.

વાઘેલાના અંગત વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જયંત બોસ્કીની વરણીએ બાપુની સક્રિયતાનું રિએકશન છે તો બીજી તરફ બાપુ ભાજપ તરફ સરકે તેવુ કયારેય નહી બને પરંતુ હજુ કોઈ કોંગ્રેસી નેતા સાથે પણ હાલ કોઈ વાતચીત થઈ નથી.

ઉપરોકત પરિસ્થિતિમાં હવે શંકરસિંહજી વાઘેલા તથા તેમનુ જુથ શું નિર્ણય પર આવે છે તેની ઉત્તેજનાથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. સંભવત આજે સાંજ સુધીમાં બાપુ તરફથી ચોક્કસ પ્રતિક્રિયા જાહેર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

(11:16 am IST)