Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમદાવાદ શહેરમાં ૩૦,૦૦૦ લોકો સામે નોંધાયેલા કેસોનું શું?

લોકડાઉનનો ભંગની પોલીસ કાર્યવાહીથી સમસ્યા : બે માસથી વધુ સમય સુધી ચાલેલા લોકડાઉનમા પોલીસે કરેલા કેસોને લીધે કોર્ટમાં કેસોનો ભરાવો થાય તેવી સ્થિતિ

અમદાવાદ, તા. : લોકડાઉન દરમિયાનના ૬૮ જેટલા દિવસો દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ ના જાળવનારા તેમજ અન્ય નિયમોનો ભંગ કરનારા લગભગ ૩૦ હજાર જેટલા લોકો સામે જાહેરનામા ભંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, કલમ ૧૮૮ સહિતના ૨૦ હજાર જેટલા કેસો થયા છે. જોકે, પોલીસે ધડાધડ કરેલા કેસોને કારણે કોર્ટમાં કેસોનો ભરાવો થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે જાહેરનામાના ભંગના ગુનામાં કોર્ટ રોકડ દંડ ફટકારી આરોપીને છોડી મૂકતી હોય છે. જો કે, ચાર તબક્કામાં બે મહિનાથી વધુ સમય સુધી ચાલેલા લોકડાઉનમાં પોલીસે અંદાજે ૩૦ હજાર લોકો સામે ગુનો નોંધ્યો છે. આવા લોકો ચાર્જશીટ થશે અને ત્યારબાદ કોર્ટમાં હાજર રહેલા સમન્સ પાઠવવામાં આવશે.

          તેમાંય જે આરોપી હાજર ના રહે તેમને પકડીને પોલીસે કોર્ટમાં હાજર કરવા પડશે. તેવામાં આટલી મોટી સંખ્યામાં નોધાયેલા કેસોનો નિકાલ ક્યારે થશે તે ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોનું માનીએ તો, જાહેરનામા ભંગના હજાર જેટલા કેસોમાં દંડની રકમ નિશ્ચિત કરી માંડવાળ કરાય તો કોર્ટનો વર્કલોડ ઘટી શકે. જો કે, એપિડેમિક એક્ટના ૪૨૦૦, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા ૭૨૦૦ એમ ૧૧૫૦૦ જેટલા કેસ તો કોર્ટમાં ચલાવવા પડે તેમ છે. કારણ કે, તેમાં મહિનાની જેલ સુધીની પણ જોગવાઈ છે. અમદાવાદ શહેર પોલીસ હાલ ૨૦૦૦૦ જેટલા કેસોની ચાર્જશીટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. કાયદાકીય રીતે જે અધિકારી જાહેરનામું  બહાર પાડે તે ફરિયાદી બની શકે. તેનાથી નીચેની કક્ષાના અધિકારીઓને ફરિયાદ કરવાની સત્તા નથી.

          જો કે, અમદાવાદમાં પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડે છે, પરંતુ ફરિયાદ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કરતા હોય છે. અગાઉ કોર્ટના ધ્યાને મુદ્દો આવતા જાહેરનામા ભંગના કેસો કાઢી નાખવાની પ્રક્રિયા હાથ ધરી હતી. મેટ્રો કોર્ટે પણ અગાઉ એક હજારથી વધુ ફરિયાદો કાઢી નાખતા પોલીસે જિલ્લા કલેક્ટરમાં અપીલ કરી હતી. પોલીસ કમિશનરે સીસીટીવી કેસના જાહેરનામાનો ભંગ કરનારા આરોપીઓને ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલી છોડી મૂકાય હોવાના પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા હતાં.

(10:09 pm IST)