Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

તમાકુના વેપારીઓને ત્યાં રાજ્યમાં GSTના દરોડા

અનલોક ખોલવાના પ્રથમ દિવસે જ દરોડા : તમાકુ બનાવટોની કાળાબજારમાં ધૂમ વેચાણ થયુ હતું

અમદાવાદ,તા. : અનલોક ખુલતાની સાથે રાજ્યના જીએસટીના તંત્રે અમદાવાદ, સુરત, વડોદરા, સહિત રાજ્યના અનેક શહેરમાં દરોડા પાડી લાખો રૂપિયાની કરચોરીના બિન હિસાબી વ્યવહારો પકડયા હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીના પગલે સવા બે મહિનાથી લોકડાઉનની સ્થિતિમાં જો કોઈ સમાચારે વધુ ધ્યાન ખેંચ્યુ હોય તો તમાકુના સેવન કરતા રસિયાઓને પડી રહેલી મુશ્કેલી, તમાકુની બીડી, માવા, સિગારેટ સહિતની વસ્તુઓના કાળાબજારમાં બેથી ત્રણ ગણા ભાવે વેચાયા હોવાની ખબરો અવારનવાર છપાતી રહેતી હતી.

             લોકડાઉનના માહોલમાં અવરજવર પર આટલી પાબંધી હોવા છતાં મોટાપાયા પર બીડી, માવા સહિતની વસ્તુઓની કાળાબજારી ધુમ કેવી રીતે ચાલતી હતી તે તપાસનો વિષય હતો. આજે રાજ્ય જીએસટી વિભાગે અનલોક થવાના પહેલા દિવસે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, નડીયાદ, વાપી અને કલોલમાં તમાકુ તથા તમાકુના ઉત્પાદનોના વેપારી અને પેઢીઓ મળી ૩૦ સ્થળોએ દરોડા પાડી લાખો રૂપિયાની કરચોરી પકડી છે. એટલુ નહીં જીએસટી તંત્રને રોકડના વ્યવહારો પણ મળી આવતા તપાસ હાથ ધરી છે. બીજી બાજુ તમાકુ તથા તમાકુના ઉત્પાદનના વેપારીના ત્યા પડેલા જીએશટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(10:15 pm IST)