Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

બીટ કોઇન કૌભાંડનો મુખ્‍ય સુત્રધાર મુળબ્રીટીશ નાગરિક દિવ્‍યેશ અને તેની પત્‍ની કંપનીના મુખ્‍ય મથક લંડનમાં મોજ માણી રહ્યા છે

બીટ કોઇન કૌભાંડનો મુખ્‍ય સુત્રધાર મનાતો મુળ બ્રિટીશ નાગરિક દિવ્‍યેશ અને તેની પત્‍ની કંપનીના મુખ્‍ય મથક લંડનમાં મોજ માણી રહ્યા છે.

 

તપાસ એજન્સી 'ક્રિમીનલ ઇન્વેસ્ટિગેશન ડીપાર્ટમેન્ટ' (સીઆઇડી) ભલે 2256 બીટકોઈન, 155 કરોડ રૂપિયા, શૈલેષ ભટ્ટ તેના ભત્રીજા નિકુંજ ભટ્ટ, પિયુષ સાવલિયા, સતીશ કુંભાણી, ધવલ માવાણી, જીગ્નેશ મોરડીયા, મનોજ કાયદા, ઉમેશ ગોસ્વામી, દિલીપ કાનાણી, નલિન કોટડીયા, પાલડીયા કે અમરેલીના એસપી જગદીશ પટેલ અથવા અમુક પોલીસ કર્મચારીઓ પૂરતી માર્યાદિત રાખતી હોય. કૌભાંડ સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ રૂપિયા 88000 કરોડનું હોઈ શકે છે, જે પૈકીના 30,000 કરોડના બિટકોઈન્સ તો માત્ર શૈલેષ ભટ્ટ પાસે હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સમગ્ર બીટકોઈન કૌભાંડના મુખ્ય સુત્રધારો દિવ્યેશ ધનસુખલાલ દરજી અને તેની પત્ની માલિની દરજી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.દિવ્યેશ ધનસુખલાલ દરજીએ 10 માર્ચ, 2017ના રોજ 'બીટકનેક્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ' નામની કંપની પ્લોટ-02, ગણેશકૃપા સોસાયટી, તાડવાડી, રાંદેર રોડ,સુરત ખાતે માત્ર રૂપિયા એક લાખના રોકાણથી શરુ કરી હતી. કંપનીનું મુખ્ય મથક લંડનમાં 'બીટકનેક્ટ ઇન્ટરનેશનલ પીએલસી', 13 રુટલૉ રોડ, ફોરેસ્ટ ગેટ, લંડન ખાતે છે. કંપનીમા કુલ 12 ઓફિસર્સ છે, જેમાં દિવ્યેશ પણ એક ડિરેક્ટરછે.

જૂન 1978માં જન્મેલો દિવ્યેશ મૂળે બ્રિટિશ નાગરિક છે. દિવ્યેશ લંડનમાં 37, પ્લૅમોથ, વહાર્ટ, પોપ્લર, લંડન ખાતે રહે છે અને ઉક્ત કંપનીમાં 18 સપ્ટેમ્બર, 2017થી ડિરેક્ટર પદે છે. કંપની સાથે ધવલ માવાણી તેના એજન્ટ તરીકે જોડાયો હતો. કંપની અંતર્ગત દિવ્યેશ અને તેના મળતિયાઓએ સુરતમાંથી હીરા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા સંખ્યાબંધ વ્યાપારીઓની કરોડોની જૂની ચલણી નોટોને નોટબંધી વખતે તેમના તમામ પૈસાનું ક્રિપ્ટો કરન્સીમાં વર્ષ2016થી રોકાણ કરાવ્યું હતું.

વાર્ષિક ધોરણે 365%નું વળતર મળશે તે ન્યાયે લોકોને બિટકોઈન્સમાં કરોડો રૂપિયા રોક્યા. પરંતુ 2017માં મંદી અને નિર્ધારિત વળતર આપી શકવામાં અસફળ રહેતા કંપનીના પ્રોમોટર્સમાં ખેંચતાણ શરુ થઇ ગઈ અને શૈલેષ ભટ્ટ નામના સુરતના મૂળે જમીન દલાલ સમગ્ર મામલાની એક કડી રૂપે બહાર આવ્યા. કહેવાય છે કે, શૈલેષ ભટ્ટ અને તેના આઠ સાગરીતોએ ધવલ માવાણી સહિતના ક્રિપ્ટો કરન્સીના ડેવલોપર્સ પાસેથી 2000 બિટકોઈન્સ પડાવી લીધા.

બીટકનેક્ટની બીજી કેટલીક શાખાઓ ભારત અને બ્રિટન ઉપરાંત ઇન્ડોનેશિયા, વિયેતનામ, હોંગ કોંગ, સિંગાપોર અને અમેરિકામાં હોવાનું પણ જાણકારીમાં આવ્યું છે. એક અધિકારના જણાવ્યા અનુસાર, દેશોમાં થયેલી બિટકોઈન્સના ડિજિટલ વોલેટની ટ્રાન્સફરની જાણકારી પણ અમારા ધ્યાને આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં સુરતમાં બિટકોઇનના આઠ જેટલાં બ્રોકરો પર દરોડા પાડીને ઈન્ક્મ ટેક્સના અધિકારીઓએ ડેટા બેકઅપ મેળવ્યો હતો અને તેના આધારે એનાલિસિસ શરૂ કર્યું હતુ. ઉપરાંત દરોડા દરમિયાન દસ જેટલાં મોબાઇલ પણ મળી આવ્યા હતા. અધિકારીઓએ તેના આધારે પણ કોલ ડિટેઇલ અને વોટ્સએપ, એસએમએસ સ્ટડી કરીને રોકાણકારોની યાદી બનાવવાની શરૂઆત કરી હતી. દરોડા દરમિયાન સંજય પટેલ, મેહુલ પચ્ચીગર, ચિરાગ ટેલર અને મિતુલ પટેલ સહિતના નામો સામે આવ્યા હતા.

બીટકનેક્ટ' સાથે અમદાવાદમાં ભારતની પહેલી બીટકોઈન એક્સચેન્જ કંપની હોવાનો દાવો કરતી કંપની 'ઝેપ પે' પણ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું કેટલાક આધારભૂત સૂત્રો જણાવે છે. ભારત સરકાર એક તરફ બીટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપતી નથી અને બીજી તરફ 'ઝેપ પે' નામની કંપની જેનું મુખ્યાલય સિંગાપોરમાં અને કચેરી અમદાવામાં હોવા છતાં આંખ આડા કાન કરે છે, તે સૂચવે છે કે કૌભાંડ કઈ નાનુસુનું તો નથી ! કંપની સાથે રાજ્યના કેટલાક રાજકારણીઓના તાર પણ જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે.

શૈલેષ ભટ્ટ પછીની એક પછી એક કડીઓ ઉકેલાતી જતી હોવાનો સીઆઇડી (ક્રાઇમ) દાવો ભલે કરી રહી હોય, કિન્તુ હજુ આ મામલાના મુખ્ય સૂત્રધાર દિવ્યેશ ધનસુખલાલ દરજી અને તેની પત્ની તથા કેટલાક અગ્રણી રાજકારણીઓ સુધી શું ક્યારેય સીઆઇડી (ક્રાઇમ) પહોંચી શકાશે તે આવનારો સમય બતાવશે. (ટિવી૧૮ ગુજરાતીમાંથી સાભાર)

(12:29 am IST)