Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ચકચારી બિટકોઇન પ્રકરણમાં શૈલેષ ભટ્ટે પાંચ ભાગ પાડ્યા હતાં તેમાંથી એક ભાગ જિજ્ઞેશને મળ્યો હતો

સુરતઃ ગુજરાત ‌સહિત સમગ્ર દેશભરમાં ચકચાર મચાવનાર બિટકોઇન પ્રકરણમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થતા જાય છે.

રૂ. 155 કરોડની કિંમતનાં 2,256 બિટકોઇન અને રોકડા રૂ. 14 કરોડ બળજબરીથી કઢાવી લેવાના ઇરાદે બે યુવાનોનું અપહરણ કરી તેને ગોંધી રાખવાના કેસમાં જે મત્તા હાથ લાગી તેના શૈલેશ ભટ્ટે કુલ પાંચ ભાગ પાડ્યા હતા. જેમાંથી એક ભાગ જિજ્ઞેશ મોરડિયાને આપવામાં આવ્યો હતો. જેથી પકડાયેલો જિજ્ઞેશ પોલીસ માટે મહત્ત્વનો આરોપી સાબિત થશે.પકડાયેલા જિજ્ઞેશ મોરડિયાના બ્લેકચેઇન વોલેટમાં એક મહિનામાં કુલ રૂ. 30 કરોડ 65 લાખની કિંમતના 613 બિટકોઇન જમા થયા છે અને વેચાઈ ગયા છે. આ અંગેની માહિતી મેળવવા તેમજ કુલ જેટલી મત્તા પડાવી લીધી તેના પાંચ ભાગ કરવામાં આવ્યા હતા. તેમાં કોનો કોનો ભાગ હતો અને કોના ભાગે કેટલી મતા આવી? એ મુદ્દે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ સમગ્ર ગુનાના સૂત્રધાર શૈલેશ ભટ્ટ મારફતે જિજ્ઞેશ મોરડિયાના વોલેટમાં તા. 4-2-2018થી તા. 5-3-2018 સુધીના એક મહિનાના સમયગાળામાં કુલ 613 બિટકોઇન જમા પણ થયા છે અને વેચી પણ દેવાયા છે. આ બિટકોઇન જિજ્ઞેશે કેવી રીતે અને કોને વેંચ્યા? એમાંથી કેટલી રકમ મેળવી? એ રકમનો ઉપયોગ કઈ જગ્યાએ કર્યો? વગેરે મુદ્દે હાલ તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે.

તો પિયુશ સાવલિયા અને ધવલ માવાણીનું અપહરણ કરાયું ત્યારે પણ જિજ્ઞેશ મોરડિયા તેમજ ઉમેશ ગોસ્વામી હાજર હતા. અપહરણ અંગેની વિગતો પણ તેની પાસેથી મેળવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

સુરતથી પિયુશ સાવલિયા અને ધવલ માવાણીનું અપહરણ કરી જિજ્ઞેશ મોરડિયા અને મનોજ ક્યાડા સીધા વ્યારા ખાતેના એક મકાનમાં લઈ ગયા હતા. જ્યાં બન્નેને ગોંધી રાખ્યા હતા. આ મકાનના માલિક અને આજુબાજુમાં રહેતા લોકોનાં નિવેદનો લેવા માટે જિજ્ઞેશ અને મનોજને ત્યાં લઈ જવામાં આવશે.

સૌથી પહેલા બે આરોપીઓ નિકુંજ ભટ્ટ અને દિલીપ કાનાણીની ધરપકડ કરી તે વખતે સીઆઈડી ક્રાઇમની ટીમે રૂ. 5 લાખની કિંમતના એક એવા કુલ 152 બિટકોઇન કબજે કર્યા હતા. ત્યાર બાદ જિજ્ઞેશ મોરડિયા, મનોજ ક્યાડા અને ઉમેશ ગોસ્વામીની ધરપકડ કર્યા બાદ પોલીસે બીએમડબલ્યુ અને ફોર્ચ્યુન કાર કબજે કરી છે. આ ઉપરાંત રૂ. અઢી કરોડની કિંમતનું આઠ કિલો સોનુ, રૂ. 25 લાખ રોકડા અને રૂ. 50 લાખની કિંમતનાં દસ બિટકોઇન પોલીસે કબજે કર્યાં છે.

સીઆઈડી ક્રાઈમની ટીમે ત્રણેય આરોપીનાં રિમાન્ડ મેળવવા માટે જે ગ્રાઉન્ડ રજૂ કરાયાં તેમાં એક નોંધ એવી પણ છે કે આ તપાસ બિટકોઇન પર કેન્દ્રીત છે. આ પ્રકારની તપાસ ભૂતકાળમાં રાજ્યમાં થઈ નથી. જે તપાસમાં ફોરેન્સિક નિષ્ણાત તેમજ સાઇબર ક્રાઇમના એક્સપર્ટની મદદ જરૂરી છે.

આરોપીઓ પોલીસ કસ્ટડીમાં ન હોય ત્યારે પેરેલલ કાર્યવાહીથી તપાસમાં વિક્ષેપ ઊભો કરે છે. જેના કારણે રિમોટ એડ્રેસથી ઇમેલ મોકલવાના કારણે રૂ. 6 કરોડની કિંમતના 119 બિટકોઇન રિકવર કરવાની પ્રક્રિયામાં વિક્ષેપ ખડો થયો હતો.

પીયૂષ સાવલિયાનું અપહરણ કરતી વખતે જિજ્ઞેશ મોરડિયા, ઉમેશ ગોસ્વામી અને મનોજ ક્યાડા હાજર હતા. જેથી ત્રણેયને પીયૂષ જોયે ઓળખે છે. પરિણામે ત્રણેયની ઓળખ પરેડ કરાવવામાં આવશે.

અપહરણ કરતી વખતે અને ત્યાર પછી ત્રણેયે જે મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો તે મોબાઇલ કબજે કરી તેના માધ્મથી પણ તપાસ આગળ ધપાવવામાં આવશે.

(6:15 pm IST)