Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓઃ મુખ્‍યમંત્રી-નાયબ મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીની એક સમિતીની રચના

ગાંધીનગરઃ આગામી સમયમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ માટે રાજ્ય સરકાર દ્વારા અત્‍યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આ માટે તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી અને ઉર્જામંત્રીની એક સમિતિની રચના પથણ કરાઇ છે.

આગામી જાન્યુઆરીની તા. ૧૮, ૧૯ અને ૨૦મીનાં રોજ વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેની તૈયારી શરૃ કરી દેવામાં આવી છે. આ અંગેની ગાંધીનગરમાં મુખ્યમંત્રીનાં બંગલે શુક્રવારે સાંજે સૌ પ્રથમ બેઠક મળી હતી. જેમાં કેટલા વિદેશી મહેમાનોને બોલાવવા, કયા કયા ઉદ્યોગપતિઓને હાજર રહેવાનું આમંત્રણ આપ્યુ વગેરેના સંદર્ભમાં ચર્ચા વિચારણા થઇ હતી. વાઇબ્રન્ટ સમિટનાં આયોજન માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીની એક સમિતિ પણ બનાવાઈ છે.

ત્રણેય મંત્રીઓ ઉપરાંત શુક્રવારની બેઠકમાં મુખ્ય સચિવ ઉદ્યોગ સચિવ સહિતનાં ટોચનાં સચિવ, ઉદ્યોગ સચિવ સહિતનાં ટોચનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.૨૦૧૭માં યોજાયેલી વાઇબ્રન્ટમાં કેટલા મહાનુભાવોએ ભાગ લીધો હતો, કેટલા ઉદ્યોગપતિઓને કેટલી રકમનાં MOU કર્યા હતા તેનો ઉલ્લેખ પણ કરાયો હતો. જો કે ગત વાઇબ્રન્ટમાં કેટલા રૃપિયાના MOU કરાયા તે બાબતને ખાસ મહત્ત્વ નહોતુ અપાયું. પરંતુ કુલ કયા ક્ષેત્રમાં કેટલા MOU થયા અને કેટલી રોજગારી મળી શકે તેમ છે તે બાબત પર ભાર મુકાયો હતો. ગત સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. ૨૦૧૯-જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ બાદ તુરંત જ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આથી ગુજરાત સરકાર દ્વારા પણ આ વખતની વાઇબ્રન્ટમાં વડાપ્રધાન મોદી હાજર જ રહે તેવી વ્યવસ્થા કરી દીધી છે. આ મીટીંગમાં પાર્ટનર કન્ટ્રી કયા દેશને રાખવા, એક્ઝિબિશનનું આયોજન કેવી રીતે કરવું, વધુને વધુ મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતમાં વધુ રોકાણ કરે તેવા પ્રયત્નો કરવા વગેરે બાબતોની લંબાણપૂર્વક ચર્ચા વિચારણા થઇ હતી. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ટોચના અધિકારીઓને પણ હવે તાત્કાલીક રીતે વાઈબ્રન્ટ સમિટ યોજવા અંગેની તમામ તૈયારીઓ શરૃ કરી દેવાની સૂચના આપી દીધી છે. જેનું સીધુ મોનિટરીંગ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ તથા મુખ્ય સચિવ જે.એન.સિંઘ કરશે.

(6:12 pm IST)