Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સુરતમાં ગૌતમ ગોલ્ડનની હત્યા કરનાર કિશન ખોખરની ધરપકડઃ રિમાન્ડની તજવીજ

સુરતઃ સુરતનાં કામરેજ ચાર રસ્તા પોલીસચોકીની પાછળ ગૌત્તમ ઉર્ફે ગૌત્તમ ગોલ્ડન ગણેશ ગોયાણીની ગત તારીખ ૨૦મી મે ના રાત્રિના સુમારે ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય સૂત્રધાર મનાતા કિશન ખોખરની સાથે સામેલ વેજા માડમની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા હતા. સમગ્ર બનાવમાં પી.આઇ. બી.જે. સરવૈયાએ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન કિશન ખોખરના ભાઇ રજની તેમજ હડ્ડી, ધવલભુરો સહિત ૮ જણા ગૌત્તમે ગોલ્ડનની હત્યામાં સામેલ હોવાનો ખુલાસો થયો હતો. વેજા માડમના લીસ રીમાન્ડ પૂરા થતાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી પોલીસે કિશન ખોખર અને સોપારી આપવાના આક્ષેપમાં સામેલ ખુશ્બુ મોદીની શોધખોળ પોલીસે હાથ ધરી હતી.

દરમિયાન ગુરૃવારે સાંજના સમયે એલસીબીની ટીમે બાતમી આધારે સુરતના વરાછા ખાતે ઓવરબ્રીજ નીચે ચોર્યાસી ડેરી સામેથી કિશન રમેશભાઇ ખોખર (ઉ.વ. ૨૪, રહે. પ્રભુકૃપા સોસાયટી, લક્ષ્મણનગર ચોક પાસે, કાપોદ્રા, સુરત)ને ઝડપી લીધો હતો. પોલીસે કિશન ખોખરની ધરપકડ કરી પૂછતાછ શરૂ કરી છે. પૂછપરછમાં ગૌત્તમ ગોલ્ડનની હત્યાના અનેક રહસ્ય પરથી પડદો ઉંચકાશે તેવી શક્યતા છે. પોલીસ કિશન ખોખર પાસેથી કેટલી હકીકત કઢાવી શકે છે તે અગત્યનું બની રહેશે.

(6:37 pm IST)