Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિતે રવિવારે અમદાવાદમાં મીની મેરેથોનઃ પ્લાસ્‍ટીકનું વપરાશ ઘટાડવા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાશે

અમદાવાદઃ અમદાવાદમાં તા.૩ના રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મીની મેરેથોનનું આયોજન કરાયું છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગીર ફાઉન્ડેશન, જી.ઇ.સી. અને સી.આઇ.આઇ. દ્વારા યોજાનાર આ મેરેથોન અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ, ટી.વી.ટાવર પાછળ, એન.એફ.ડી. સર્કલ પાસે, સારથી પાર્ટી પ્લોટ સામે, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાશે. જેનો રૂટ ૨.૫ કિ.મી.નો રહેશે. આ મેરેથોનમાં ૧૨ વર્ષથી ઉપરની વ્યક્તિઓ ભાગ લઇ શકશે. આ મેરેથોનમાં જોડાવા માટે www.lssports.in/mm વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જે નિશુલ્ક છે. મેરેથોન સવારે ૬.૧૫ કલાકે શરૂ થશે. ભાગ લેનાર યુવાનોએ સવારે ૫.૩૦ કલાકે સ્થળ પર પહોંચવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિનની આ વર્ષની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવીએનિર્ધારીત કરાઇ છે. પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા માટે જાગૃતિ આવે તે આશયથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં સુમદ્ર કિનારો સાફ કરવા સહિતના કાર્યક્રમો દેશભરમાં યોજાશે. ભારત સરકાર દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણનો ઘટાડો કરવાના હેતુથી લોકજાગૃતિ કેળવવા માટે મીની મેરેથોનના આયોજન માટે ગુજરાતના અમદાવાદ શહેરની પસંદગી કરાઇ છે.

દુનિયાભરનાં દેશો પ્લાસ્ટિકના પ્રદુષણ સામે ઝઝુમી રહ્યાં છે. ગુજરાતમાં લોકો બેફામ પ્લાસ્ટિક વાપરે છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે એ માટે સરકાર દ્વારા અમલવારી થતી નથી એમ પર્યાવરણ સાથે જોડાયેલા લોકો કહે છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં તેની અલમવારીનાં અભાવે ઠેર-ઠેર પ્લાસ્ટિકનાં પહાડ ઉભા થયા છે.

(6:32 pm IST)