Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રપ૦થી વધુ ન્યાયાધીશોની બદલીના હુકમો

ડીસ્ટ્રીકટ જજ કેડરના ૮પ સીનીયર સીવીલ જજો ૬૦ અને જે. એમ. એફ. સી.ના ૧૧૦ જજોની બદલીઓઃરાજકોટ ફેમીલી કોર્ટના જજ ગનેરીવાલ, જે. એલ. ઓડેદરાની ખંભાળીયા ખાતે બદલીઃ બી. આર. રાજપૂતની પણ બદલીઃ રાજકોટ ઉપરાંત જામનગર-અમરેલી-જૂનાગઢ સહિતના જીલ્લા અને તાલુકા કક્ષાએ ન્યાયાધીશોની બઢતી સાથે બદલીઓ કરાઇ...

અમદાવાદ તા. ર :.. ગુજરાતની નીચેની અદાલતોમાં ફરજ બજાવતા આશરે રપ૦ જજોની બઢતી અને બદલીનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જે પૈકી જિલ્લા જજ કેડરના ૮પ જજોની અરસપરસ બદલી કરવામાં આવી છે. જયારે સેશન્સ જજ કે એડિશનલ સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા ૬૮ જજોની બદલી કરવામાં આવી છે.

અમદાવાદમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા એ.સી. જોશીની વડોદરાના ડીસ્ટ્રીકટ જજ તરીકે બદલી  કરવામાં આવી છે. સીટી સીવીલ કોર્ટની કોમર્શિયલ કોર્ટના જજ એમ. સી. ત્યાગીની બદલી સીટી સીવીલ કોર્ટના એડિશનલ પ્રિન્સીપાલ જજ તરીકે કરવામાં આવી છે. આ ઉપરાંત સીનીયર સીવીલ જજ તરીકે ફરજ બજાવતા ૮૪ જજોની અરસપરસ બદલી કરવામાં આવી છે.

અમદાવાદમાં ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ તરીકે અશિત વાય. દવેની નિમણુંક કરવામાં આવી છે. જયારે એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ તરીકે રાજુલ બી. મારફતીયાની નિમણુંક કરવામાં આવી છે. સીવીલ જજ તરીકે ફરજ બજાવનારા ૬૦ જજોને સીનીયર સીવીલ જજ તરીકે બદલી અને બઢતી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓની કોર્ટોમાં જજોની આંતરિક બદલી પણ કરવામાં આવી છે.

 બદલીના  આ હુકમોમાં રાજકોટમાં એડી. સેશન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ તરીકે ફરજ બજાવતાં જે. એલ. ઓડેદરાને ખંભાળીયા-દ્વારકા ખાતે મુકવામાં આવેલ છે. મોરબીના ફેમીલી કોર્ટના પ્રીન્સીપલ જજ આર. આઇ. ગનેરીવાલને રાજકોટ ફેમીલી કોર્ટમાં પ્રીન્સીપલ જજ તરીકે મુકવામાં આવેલ છે. રાજકોટના ફેમીલી કોર્ટના જજ એસ. એમ. મહેતાને મોડાસા ખાતે મુકવામાં આવેલ છે. જયારે ગોંડલના જે. એન. વ્યાસને મહેસાણા - વિસનગર ખાતે મુકવામાં આવેલ છે.

આ ઉપરાંત રાજકોટના એચ. બી. ત્રિવેદીને અમદાવાદ રૂરલના વિરમગામ ખાતે મુકવામાં આવેલ છે. તેમજ રાજકોટના ટી. એસ. બ્રહ્મભટ્ટને સાબરકાંઠા-હિંમતનગર ખાતે મુકવામાં આવેલ છે.

આ હુકમમાં રાજકોટ ફેમીલી કોર્ટના જજ શ્રી જે. સી. બુધ્ધભટ્ટીને અમરેલી ખાતે મુકવામાં આવેલ છે. રાજકોટના મીનાક્ષીબેન રાવલને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મુકવામાં આવેલ છે.

સીનીયર સીવીલ જજોની રાજયભરમાં કુલ ૮૪ જજોની બદલી થયેલ છે.  જેમાં  રાજકોટના બી. આર. રાજપૂતને અમદાવાદ ખાતે તેમજ રાજકોટના ગોંડલના અફસાના મુંદ્રાને અમદાવાદ ખાતે મુકવામાં આવ્યા છે.ગુજરાત હાઇકોર્ટ દ્વારા થયેલ આ બદલીના હુકમોમાં જયુ. મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતાં કુલ ૧૧૦ જજોની બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમરેલીના ઉર્મિલાબેન આહીરની બનાસકાંઠા જીલ્લામાં બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના જી. એસ. દરજીની અમીરગઢ-બનાસકાંઠા ખાતે તેમજ જામનગરના આર. ડી. કકકડની વિરમગામ ખાતે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટના એફ. એફ. બારડોલીવાલાની ખેડા જીલ્લામાં બદલી કરવામાં આવી છે. ભરૂચના દિપ્તીબેન એમ. પંડયાને રાજકોટ ખાતે મુકવામાં આવેલ છે. રાજકોટના મોહિત શર્માને બનાસકાંઠામાં મુકવામાં આવ્યા છે.

મોરબીના એમ. ડી. પરમારને ડીસ્ટ્રીકટ લીગલ ઓથોરીટીમાં ટ્રાન્સફર અપાઇ છે. તો તાપીના એન. આર. વઢવાણીને રાજકોટ ખાતે મુકવામાં આવેલ છે. જામનગરના એમ. બી. મહેતાને અમદાવાદ રૂરલમાં મુકવામાં આવેલ છે. રાજકોટના પૂર્વીબેન કે. પંડયાને બોરસદ-આણંદ ખાતે મુકવામાં આવેલ છે. આ ઉપરાંત સુરતના જે. વી. અઢીયાને રાજકોટના વિંછીયા ખાતે મુકવામાં આવેલ છે. અને રાજકોટ જીલ્લાના જામકંડોરણા ખાતે  ફરજ બજાવતાં એન. આર. પટેલને અરાવલ્લી ખાતે મુકવામાં આવેલ છે.

ઉનાળુ વેકેશન શરૂ થતાં જ પૂર્વે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડીસ્ટ્રીકટ જજ કેડર, સીનીયર સીવીલ જજો અને જયુ. મેજીસ્ટ્રેટ કક્ષાના કુલ રપપ ન્યાયાધીશોની બદલીના હુકમો કર્યા છે.બદલીના આ હુકમોમાં ગુજરાતના છ મુખ્ય શહેર અમદાવાદ-વડોદરા-સુરત અને રાજકોટ-જામનગર-જુનાગઢ સહિત કચ્છ - ગાંધીધામ જીલ્લામાં તાલુકાના અને સીટી લેવલે બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

(3:28 pm IST)