Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જુઠ્ઠાણુ ૧૧મી મેના દિવસે રજૂ થશે : ચાહકોમાં ઉત્સુકતા વધી

કર્મભૂમિ ગુજરાત હોવાથી ગુજરાતી ફિલ્મની પ્રેરણા : ફિલ્મ જુઠ્ઠાણુંના સુન્દર ગીતો ગાયિકા એશ્વર્યા મજમુદાર, ઓસમાણ મીર તેમજ પાર્થ ઓઝાએ ગાયા છે : અહેવાલ

અમદાવાદ,તા.૨ : ગુજરાતી ફિલ્મોના ઈતિહાસમાં સૌપ્રથમવાર બિનગુજરાતી દિગ્દર્શક દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ 'જુઠાણુ' તા. ૧૧મી મેના રોજ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મુંબઈનાં સિનેમાઘરોમાં ધમાકેદાર રીતે રિલીઝ થવા જઇ રહી છે. જૂઠાણુ ફિલ્મની સ્ટારકાસ્ટ આજે અમદાવાદની મહેમાન બની હતી અને મીડિયા સાથે રસપ્રદ વાતો કરી હતી. પઝલ ફિલ્મસ એન્ડ કંપની અને સીઆરપી પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ 'જૂઠાણુ'નું દિગ્દર્શન બિનગુજરાતી લેખક દિગ્દર્શક ચન્દ્રાધાર પુટા દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મના નિર્માતા નિખિલ રામચંદાની છે. 'જુઠાણુ' ફિલ્મના દિગ્દર્શક ચન્દ્રાધાર પુટાએ જણાવ્યું હતું કે, ૫૦ વર્ષ અગાઉ અમારો પરિવાર ગુજરાતમા આવી વસ્યો હતો, આ ભૂમિએ અમને ઘણું આપ્યું છે. મારી માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં ગુજરાતને કંઈક આપવાના હેતુથી ગુજરાતી ફિલ્મ 'જુઠાણુ' મારી કર્મભૂમિને અર્પણ કરતાં હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને મને વિશ્વાસ છે કે ગુજરાતી ફિલ્મના રસિકોને અમારી પારિવારીક ફિલ્મ ખુબ જ પસંદ આવશે. મારી કર્મભૂમિ ગુજરાત હોવાના કારણે મને ગુજરાતી ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી. ચન્દ્રાધાર પુટાએ વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્મ 'જુઠાણુ'માં કોઈ નાયક-નાયિકા કે વિલન નથી ફિલ્મની કથા જ ફિલ્મનો મુખ્ય હાર્દ(હીરો) છે. ફિલ્મ માતા-પુત્રના લાગણીસભર સંબંધો આધારિત સામાજીક સંબંધો અને સંબંધોના મુલ્ય તેમજ માણસે તેના ખરાબ સમયમાં પણ ડગ્યા વગર આવેલી મુસીબતોનો સામનો કેવી રીતે કરવો તે શીખવતી ફિલ્મની કથાવસ્તુ છે. દરમ્યાન ફિલ્મના અભિનેતા ઝલકકુમાર પટેલે જણાવ્યું હતું કે, દરેક અભિનેતાને જીવનમાં એકવાર પડકારરૃપ ભૂમિકા અદા કરવાની તક મળે, જે મને દિગ્દર્શક ચન્દ્રાધાર પુટા દ્વારા દિગ્દર્શિત થયેલી ફિલ્મ 'જુઠાણુ'માં મળી છે. ફિલ્મમાં ભજવેલી મારી ભૂમિકા દર્શકોને ખૂબ જ પસંદ આવશે. આ પ્રસંગે જુઠાણું ફિલ્મની અભિનેત્રી ઐશ્વર્યા નાયકે જણાવ્યું હતું કે, એક અત્યંત રોમાંચક પારિવારિક ફિલ્મમાં અભિનય કરવાની મને ખૂબ જ મજા આવી હતી. ફિલ્મમાં એક સ્ત્રી કલાકાર તરીકે મને પડકારરૃપ ભૂમિકા મળી જેનો મને ગર્વ છે. આ ફિલ્મમાં અભિનય કરનાર દરેક કલાકારને તેમની ભૂમિકા અનુરૃપ સરખું મહત્વ આપવામાં આવ્યું છે. 'જુઠાણુ' ફિલ્મમાં ઝલકકુમાર પટેલ, ઐશ્વર્યા નાઈક, નિહાલ પટેલ, હેનીશ જરીવાલા, સીમરન અરોરાએ અભિનયનો કસબ પાથર્યો છે. જ્યારે ફિલ્મનું સુમધુર સંગીત મૃણાલ મડે દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. મૃણાલ મડેના સુમધુર સંગીતમાં તૈયાર કરવામાં આવેલા કુલ ૪ કર્ણપ્રિય ગીતોને જાણીતી ગાયિકા એશ્વર્યા મજમુદાર, ઓસમાણ મીર તેમજ પાર્થ ઓઝાએ તેમનો કંઠ આપ્યો છે.

(9:28 pm IST)