Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ માટે હવે ચીનની નવી શીપનો ઉપયોગઃ દરરોજ ૮૦૦થી ૧૦૦૦ પેસેન્‍જર અને ૬પ વાહનોની હેરાફેરી શક્ય બનશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ઘોઘા-દહેજ વચ્ચેની ફેરી સર્વિસ માટે ચીન પાસેથી 110 કરોડની શિપ ખરીદી છે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા જ્યારે આ સર્વિસ શરૂ કરાઈ ત્યારે ગુજરાત સરકારે શિપ ભાડે લીધી હતી. હવે ચીનથી જે નવી શિપ આવશે તે દરરોજ ઘોઘાથી દહેજ સુધી 800-1000 પેસેન્જર અને 65 ભારે વાહનોને લઈ જશે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક સીનિયર અધિકારીએ કહ્યું કે, “રો-પેક્સ સર્વિસના પ્રારંભ સાથે પ્રોજક્ટનો બીજો તબક્કો પૂર્ણ થશે. હાલ રો-પેક્સ જહાજનું ચીનના એક શિપયાર્ડમાં ફિટિંગ થઈ રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં જહાજ અહીં આવી પહોંચશે. અમને આશા છે જૂનથી અમે રેગ્યુલર સર્વિસ શરૂ કરી શકીશું. શિપ દરિયામાં ચોમાસા દરમિયાન પણ ચાલશે, ફક્ત વાતાવરણ ખરાબ હશે ત્યારે જ મુસાફરી બંધ રહેશે.

સીનિયર અધિકારીએ કહ્યું કે, “અમને આશા છે કે આ સેવાનો લાભ સૌરાષ્ટ્રથી સુરત અને મુંબઈ જતાં બસ ઓપરેટર્સ લેશે. આ મુસાફરીથી તેમનો સમય પણ બચશે અને મુસાફરોને ક્રૂઝ શિપ જેવો અનુભવ પણ મળશે.

ચીનથી આવનારી શિપ સંપૂર્ણપણે ACવાળી હશે. VIP માટે બેસવાની અલગ સુવિધા, VIP એરિયામાં સલૂન સાથે જ ફૂડકોર્ટ અને અટેચ્ડ બાથરૂમ હશે. એક્ઝિક્યુટિવ પેસેન્જર્સ માટે અલગ સીટિંગ એરિયા અને અટેચ્ડ વોશરૂમ, ફૂડકોર્ટ હશે. ઈકોનોમિ પેસેંજર એરિયામાં પણ વોશરૂમ અટેચ્ડ હશે. શિપના બે છેડા પર 1-1 રેમ્પ, કાર માટે બે ડેક હશે જેમાં 10 મીટરના 65 લોડેડ વ્હિકલ લઈ જવાશે. ડેક સુધી વોલ્વો બસ પેસેન્જર સાથે આવી શકશે અને ત્યાંથી આગળ ચાલીને જવા માટે પેસેન્જર્સ માટે ખાસ વૉક-વે. પેસેન્જરના મનોરંજન માટે શિપમાં ટીવી અને મ્યુઝિકની સુવિધા હશે.

(6:15 pm IST)