Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

નેનો ટેક્નોલોજીવાળી લિપસ્ટીકનું અમદાવાદના તબીબ દ્વારા નિર્માણ

અમદાવાદઃ ભારત દેશની મહિલાઓ સામાન્ય રીતે એનીમીક હોય છે અને તે નિયમિત દવા ન લેતી હોવાથી તેમની સમસ્યા ગંભીર બને છે મહિલાઓને દવા લેવામાંથી છુટકારો આપવા અમદાવાદના એક ડોક્ટરે નેનો ટેકનોલોજી વાળી લિપસ્ટીક બનાવી છે જે મહિલાઓને સુંદરતાની સાથે સ્વસ્થ શરીર આપશે.

આજકાલ મહિલાઓ વ્યવસાય કે ઘરની જવાબદારીઓની સારસંભાળમાં એટલી વ્યસ્ત બની ગઈ છે કે તેઓની પાસે પોતાની વ્યક્તિગત તબિયતની દેખરેખ માટે પૂરતો સમય હોતો નથી. આવા સંજોગોમાં તેઓ એનેમિયા,લોહીમાં હિમોગ્લોબીનની ખામી, વિટામીનની ઉણપ કે શરીર માટે આવશ્યક અન્ય પોષક દ્રવ્યોના અભાવ જેવી તકલીફોનો શિકાર બને છે. તેના પરિણામે વિવિધ પ્રકારની બીમારીઓ આવે છે. 

વળી ઘણી મહિલાઓ દવા લેવામાં પણ બેદરકારી રાખતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એક્યુપ્રેક રિસર્ચ લેબ્સની 7 સભ્યોની ટીમે સતત 9 મહિના સુધી સંશોધન કરીને એક એવી લિપસ્ટિક બનાવી છે, જે લગાડવાથી સૌંદર્યની સાથોસાથ સ્વાસ્થ્યમાં પણ વૃદ્ધિ થાય. તેની વિશેષતા એ છે કે તે લગાડવાથી તેની કોઈ આડઅસર થતી નથી અને શરીરને આવશ્યક પોષક તત્ત્વો મળે છે.

સામાન્ય લિપપસ્ટીકની વાત કરવામાં આવેતો તેમાં લીડ અને હેવી મેટલનો ઉપયોગ કરેલો હોય છે. જે હ્રદય મગજ અને કિડનીને નુકસાન કરે છે. ઘણીવાર તેના વધારે ઉપયોગથી મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનો ખતરો રહે છે. આ હર્બલ લિપસ્ટીકની વાત કરવામાં આવે તો તેમાં વેજીટેરીયન મટીરીયલ એલોવીરા અને ફુડ કલરની સાથે વિટામીન્સનું મિશ્રણ છે. જેના ઉપયોગથી મહિલાઓમાં હિમોગ્લોબીન,ફોલીક એસીડ અને વિટામીન બી 12ની ઉણપમાંથી છુટકારો મળે છે. 

પ્રાયોગિક ધોરણમાં મહિલાઓ પર કરવામાં આવેલા સર્વે પર લીપસ્ટીક લગાડ્યા પહેલાં મહિલાના શરીરમાં 10.8 ટકા હિમોગ્લોબીન હતું અને એક મહિનો લિપસ્ટીક લગાડ્યા બાદ તેનું પ્રમાણ વધીને 12.3 થયું. 

અત્યારે આ લિપપસ્ટીક 20 શેડમાં તૈયાર છે અને તેને 50 શેડ્સ સુધી લઇ જવાશે. આગામી મહિના સુધીમાં તેને લોન્ચ કરવામાં આવશે. દેશની મહિલોની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં 51 ટકા સ્ત્રીઓ એનીમીક હતી અને દવા ન લેવાની આદત આ સંખ્યામાં દિન પ્રતિદિન વધારો કરી રહી છે ત્યારે લિપસ્ટીક મહિલાઓને બ્યુટી વીથ હેલ્થ આપશે.

(6:13 pm IST)