Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

પાલનપુરના કંડોદરા ગામમાં આવેલા જિલ્લા કલેકટરનો પ્રભાવ, સત્તા અને લોકોની મદદ કરવાનો પાવર જોઇને હસને આઇઅેઅેસ બનવાનું નક્કી કરી લીધું અને સફળતા પણ મળી

અમદાવાદઃ UPSC જેવી દેશની પ્રતિષ્ઠિત પરીક્ષામાં સિવિલ સર્વિસિઝ માટે સફળ થવું ઘણા યુવાનની ઇચ્છા હોય છે. જોકે આ ઇચ્છા માત્રથી કશું ન થાય તેને સાકાર કરવા માટે જરુર પડે અથાગ પરિશ્રમ અને ગમે તેવા સંજોગો સામે ઝઝૂમવાની તાકાત. આવી જ કંઈક ઇન્સ્પાઇરેશનલ સ્ટોરી છે ગુજરાતના હસન સફિનની, 22 વર્ષના હસનને આ વર્ષે સિવિલ સર્વિસમાં સફળતા મેળવી છે પંરતુ આ સફળતા પાછળ તેની જ નહીં તેના પરીવારની પણ અથાગ મહેનત છે તો સપનું સાકાર કરવા ભણતર માટે જોઈતા પૈસાનું દાન કરવાવાળા લોકોની મદદનું પરીણામ છે.

હસન આ વર્ષે 570 ક્રમ સાથે સિવિલ સર્વિસમાં IPS ઓફિસર માટે ક્વોલિફાઈ થયો છે. જોકે તેણે કહ્યું કે તે આવતે વર્ષે ફરી સિવિલ સર્વિસ એક્ઝામ આપશે અને પોતાનો રેન્ક સુધારીને IAS ઓફિસર બનશે. ધો. 5થી IAS ઓફિસર બનવાનું તેનું સપનું છે અને કેટલીકવાર ભૂખ્યા પેટે પણ તેને આ સપના માટે સતત પ્રયત્ન ચાલુ જ રાખ્યા છે.

ગુજરાતના પાલુનપુર ખાતે આવેલ કંડોડરા ગામમાં એકવાર જિલ્લા કલેક્ટર આવે છે અને તેના પ્રભાવ, તેની સત્તા અને લોકોને મદદ કરી શકવાના તેના પાવરને જોઈને નાના હસને સવાલ પૂછ્યો હતો કે કઈ રીતે લોકો IAS ઓફિસર બને અને કોણ બની શકે. તેનો જવાબ મળ્યો કે ગમે તે બની શકે જે UPSCની એક્ઝામ પાસ કરે. બસ ત્યારથી જ હસને ગાંઠવાળી લીધી કે બનવું છે તો IAS જ બીજુ કંઈ જ નહીં. તે કહે છે મને મારી લાઇફનું મિશન મળી ગયં હતું.

જોકે પોતના ધ્યેયને વળગી રહેવું અલગ વાત છે અને તેને મેળવવા માટેના રસ્તે ચાલવું અલગ વાત છે. તે સહેલું નથી હોતું. તેમાં પણ જ્યારે પરીવારની આર્થિક સ્થિતિ સારી ન હોય. હસનના પિતા મુસ્તફા અને માતા નસીનબાનું એક સામાન્ય હિરાઘસુ હતા. તેમની કમાણીમાંથી પરીવારનું પેટ માંડ કરીને ભરાતું હતું ત્યારે આવી અઘરી પરીક્ષા માટે ભણતરનો ખર્ચ કેમ ઉઠાવવો એક મોટો પ્રશ્ન હતો.

જોકે હસનની માતે પુત્રના સપનાને પૂર્ણ કરવા માટે દરેક જાતની ચેલેન્જ સ્વીકારી લીધી અને થોડા વધુ પૈસા કમાવવા માટે તેણે ફ્રી સમયમાં રોટલી વણવાનું શરુ કર્યું. દીકરાને ભણાવવા માતા નસીનબાનું આસપાસના રેસ્ટોરેન્ટ અને મેરેજ હોલ માટે વહેલી સવારે ઉઠીને રોટલી બનાવી આપતી હતી. શીયાળો,ઉનાળો કે ચોમાસું, ધમધોખતો તાપ હોય કે કડકડતી ઠંડી નસીનબાનું સવારે 3 વાગ્યામાં ઉઠી જતા અને રોટલી બનાવવા લાગી જતા.

ક્યારેક 20 કિલો તો ક્યારેક 200 કિલો જેટલો ઓર્ડર મળ્યો હોય તે તમામ રોટલી વણીને હસીનબાનું મહિને વધારના રુ.5000-8000 કમાઈ લેતા હતા જે તમામ રકમ બંને દીકરના ભણતર પાછળ ખર્ચવામાં આવતી હતી. હસનનો નાનો ભાઈ ડૉક્ટર બનવા માગે છે. હસન ઈમોશનલ બનતા એ દિવસોને યાદ કરતા કહ્યું કે, ‘ઘર નાનું હોવાથી હું રસોડામાં જ વાંચવા બેસતો અને મે ગમે તેવી ઠંડી હોય પરંતુ મહેનતના કારણે મારી માતાને હંમેશા પરસેવામા તરબોળ થતા જોઈ છે.

કહે છે ને કે મહેનત કરનાની ભગવાન પણ મદદ કરે છે. તેમ હસનની મહેનતને ત્યારે પાંખો આવી જ્યારે સ્થાનિક વેપારી હુસૈન પોલરા અને તેની પત્ની રૈના પોલરાએ હસન UPSCની તૈયારી વ્યવસ્થિત કરી શકે તે માટે પોતાનો આર્થિક સહયોગ આપ્યો અને તે પણ જેવો તેવો નહીં. પરીક્ષા માટે કોચિંગના ખર્ચથી લઈને દિલ્હીમાં રહીને ભણવા સુધીનો કુલ લગભઘ 3.5 લાખનો ખર્ચ દંપત્તિએ હસન માટે કર્યો. તો આવી રીતે જ નાનપણમાં જ્યારે હસન ધો. 11-12માં ભણતો હતો ત્યારે પાલનપુરની સ્કૂલના તેના પ્રિન્સિપલે બંને વર્ષની કુલ ફી રુ.80000 માફ કરી દીધી હતી.

હસન કહે છે કે, ‘મારું સપનું પૂર્ણ કરવા માટે આ તમામ લોકોએ મારો હાથ પકડ્યો છે અને તેમાંથી જો કોઈએ કંઈ ન કર્યું હોત તો હું આજે આ મુકામે પહોંચી શક્યો ન હોત.ત્યારે સ્વાભાવીક રીતે જ હસન પણ હવે ગરીબ વિદ્યાર્થીઓ માટે કંઈ કરી છૂટવા માગે છે. હાલ પણ તે ગામમાં ગરીબ વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવે છે. હવે તે પોતાની આવકમાંથી ગરીબ બાળકો માટે સ્ટેટ ઓફ આર્ટ નીવાસી સ્કૂલ બનાવવા માગે છે અને આ રીતે સમાજે તેને આપેલ સહકારને સમાજ માટે અનેકગણો કરી પરત કરવા માગે છે.

(6:13 pm IST)