Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

નામ જળ અભિયાન, કામ 'કાવડિયા' ખંખેરવાનું!

દાન પર ચાલતી સંસ્થાઓ પાસેથી દબાણપૂર્વક દાન લેવાના ભાજપના પ્રયાસો : સંસ્થાઓ-ઉદ્યોગકારોને શ્રમદાન-ધનદાન માટે આગ્રહઃ કાર્યકરોએ પાંચ-પાંચ દિ' ફરજીયાત પાવડા-તગારા ઉપાડવાનાઃ બીજાની મહેનત પર પ્રસિધ્ધી મેળવતા મોભીઓ

રાજકોટ, તા. ૨ :. રાજ્ય સરકાર દ્વારા તળાવોનો કાંપ કાઢી ઉંડા ઉતારવા માટે જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. સરકારના દાવા મુજબ ખરેખર કામ થાય તો લોકો માટે ઉપયોગી થશે. જળ અભિયાનમાં જનતા અને સ્વૈચ્છીક સંસ્થાઓ સહયોગ આપવા ઈચ્છે તે સ્વભાવિક છે પરંતુ રાજકોટમાં શાસકોએ જળ અભિયાનના નામે દબાણપૂર્વક આર્થિક સહયોગ મેળવવાનું અભિયાન શરૂ કર્યાની ફરીયાદો ઉઠી છે. કોર્પોરેશન અને શહેર ભાજપના વર્તુળોના સંયુકત સાહસ સમાન આ પદ્ધતિથી સંસ્થાઓ અને દાતાઓમાં કચવાટની લાગણી ફેલાયેલ છે. મીટીંગ બોલાવીને આગ્રહપૂર્વક નક્કી કરાવાયેલા સહયોગને ભાજપના મોભીઓ પ્રજાનો સ્વૈચ્છીક સહયોગ ગણાવી રહ્યા છે. સંસ્થાઓ ખુદ પોતાની પ્રવૃતિઓ માટે સમાજ પાસેથી દાન લેતી હોય છે. શાસકોએ તેની પાસેથી દાન લેવાના પ્રયાસો કર્યા છે.

બે ત્રણ દિવસ પહેલા સ્વૈચ્છીક સંસ્થાઓ, ઉદ્યોગકારો, અગ્રણી નાગરીકો વગેરેની બેઠકમાં શ્રમદાન અને ધનદાનની વાત સારા શબ્દોથી વહેતી મુકવામાં આવેલ. ભાજપના કાર્યકરોને પાંચ પાંચ દિવસ ફરજીયાત શ્રમદાન માટે સૂચના આપી દેવામાં આવ્યાનું જાણવા મળે છે. સંસ્થાઓ અને વેપારીઓ-ઉદ્યોગકારોને આર્થિક સહયોગ આપવા માટે આગ્રહપૂર્વક કહેવામા આવી રહ્યુ છે. મોટા લક્ષ્યાંક આપ્યા પછી બાંધછોડ કરી સાવ ખાલી ન જાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. કેટલીક સંસ્થાઓ અને ઉદ્યોગકારોએ શાસકોને નારાજ નહી કરવાની વૃત્તિ અથવા હિંમતના અભાવે પોતાનો ફાળો લખાવ્યો હતો. ખુશીથી ઈચ્છા મુજબ યોગદાન આપનારાઓની સંખ્યા બહુ ઓછી છે. અમુક પાસેથી ચોક્કસ રકમની ચેકના વચનો લેવાયેલ તો અમુકને કામના સ્થળ પર જમવાની વ્યવસ્થા કરવાનું કામ સોંપાયેલ છે. જનભાગીદારીના નામે જે ચલાવવામાં આવી રહ્યુ છે તેનાથી કચવાટનું પ્રમાણ વધ્યુ છે.

કોર્પોરેશનથી માંડી રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી ભાજપ સરકારનો કરોડોનો વહીવટ છે છતાં જનભાગીદારી જેવા રૂપકડા નામથી સહયોગ માટે દબાણ શા માટે ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. સત્તા સામે કોઈ સરાજાહેર અવાજ ઉઠાવવા સામે આવ્યુ નથી પરંતુ જે પદ્ધતિ ચાલી રહી છે તેનાથી નારાજગી જરૂર દેખાય રહી છે. દબાણપૂર્વકના ઉઘરાણાનો ભોગ બનેલી સંસ્થાઓ અને લોકો માટે તો મંદીના માહોલમાં પડયા પર પાટા જેવી સ્થિતિ સર્જાયેલ છે.

(4:28 pm IST)