Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દ્વારકા પાસે હજારો એકરમાં તૈયાર થતા રિસોર્ટમાં જગદીશ પટેલના ભાગીદાર એક ટોચનું રાજકીય પરિવાર? ખળભળાટ

પુર્વ એસપીના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન સીઆઇડીને મહત્વની માહીતી સાંપડયાની જોરદાર ચર્ચાઓ : રાજકોટના એક શખ્સ મારફત રજુ થવા ગયેલા ૭ પોલીસમેનોને સીઆઇડીએ સરંન્ડર થવા કઇ શરત રાખેલ? જાણવા જેવું

રાજકોટ, તા., ૨: સુરતના વિવાદાસ્પદ બિલ્ડર શૈલેષ ભટ્ટ તેના ભાગીદાર અને ડ્રાઇવરનું અપહરણ કરી ગેરકાયદે ગોંધી તેની પાસેથી કરોડોના બીટકોઇન ટ્રાન્સફર કરાવી લેવાના મામલે સીઆઇડી દ્વારા જેની ધરપકડ થઇ છે તેવા અમરેલીના પુર્વ એસપી જગદીશ પટેલના ૩૬ જેટલા બેન્ક એકાઉન્ટની માહીતી સાથે દ્વારકામાં હજારો એકરમાં થઇ રહેલ રિસોર્ટમાં તેની ભાગીદારી હોવાનું બહાર આવ્યું છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ દ્વારકા પાસે હજારો એકરમાં તૈયાર થનારા રિસોર્ટ કે જેમાં જગદીશ પટેલની ભાગીદારી હોવાનું માનવામાં આવે છે. તે ભાગીદાર કોણ? એ પ્રશ્ન રાજયભરના પોલીસ તંત્ર ઉપરાંત રાજકીય વર્તુળોમાં ચર્ચાના ચગડોળે ચડયું છે. ચર્ચાતી વાતો મુજબ દ્વારકાના આ રીસોર્ટમાં એક ટોચના રાજકીય પરીવારની ભાગીદારી હોવાનું બહાર આવતા જ ખળભળાટ મચી ગયો છે.

દરમિયાન સીઆઇડી દ્વારા રિમાન્ડના કારણો રજુ કરતી સમયે જગદીશ પટેલના ૩ ડઝનથી વધુ એકાઉન્ટની જેમાં માહીતી આપવામાં આવી છે તેમાં પ્રત્યેક એકાઉન્ટમાં લાખો રૂપીયાની રકમ હોવાનું જણાવ્યાનું ચર્ચાય છે.

અત્રે યાદ રહે કે, સીઆઇડી દ્વારા જગદીશ પટેલના વિશેષ રિમાન્ડ માટે જે માંગણી રજુ થઇ અને પ મી એપ્રિલ સુધી જગદીશ પટેલના રિમાન્ડ લંબાવી અપાયા  તે મામલામાં બચાવપક્ષે એવું જણાવ્યું કે, સીઆઇડી એકતફરથી એવું જણાવે છે કે, નાસતા ફરતા  ૭ પોલીસમેનને પકડવા માટે જગદીશ પટેલના વિશેષ રિમાન્ડની જરૂર છે. જયારે હકીકત એ છે કે, એ સાથે પોલીસે શરન્ડર થવા આવ્યા છતાં સીઆઇડીએ તેની ધરપકડ કરી ન હતી. જો કે, અદાલતે આબાબત માન્ય ન રાખી રિમાન્ડ આપ્યા હતા.

નાસતા ફરતા ૭ પોલીસમેન રાજકોટના એક શખ્સ દ્વારા રજુ થવા માટે ગયા ત્યારે સીઆઇડી ટીમ દ્વારા ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશીષ ભાટીયાની મંજુરી માંગવામાં આવતા તેઓએ ઉકત પોલીસમેનો ૪૦ લાખ સાથે નાસ્યા છે તે રકમ જમા કરાવે ત્યાર બાદ જ કાર્યવાહી કરવા સુચવેલ. પોલસમેનોના એડવોકેટે ૪૦ લાખ જમા કરાવા જતા સીઆઇડી કેસ મજબુત બનવા સાથે જામીન પર નહિ મળે તેવી સલાહ આપવામાં આવી હતી

બીન સતાવાર મળતા અહેવાલો મુજબ સીઆઇડીએ નાસતા ફરતા પોલીસમેનોને જણાવેલ કે, તમારે જયાં નાસવુ હોય ત્યાં નાસો અમે તમને પુરાવા અને મુદામાલ સાથે ગમે તે રીતે પકડી લેશું. દરમિયાન પોલીસ વર્તુળોમાં ચર્ચાતી વાતો મુજબ બીટકોઇન મામલાની તપાસ દરમિયાન સીઆઇડીને કેટલાક હવાલા  કૌભાંડની માહીતીઓ સાંપડી છે. જો કે, સીઆઇડી હજુ સતાવાર રીતે આ અંગે કંઇ કહેવા તૈયાર નથી.

(2:36 pm IST)