Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દિલ્‍હીમાં વિજયભાઇએ નરેન્‍દ્રભાઇને મળીને કામગીરીનો વિસ્‍તૃત હેવાલ આપ્‍યો

૨૦૧૯ની ગાંધીજીની ૧પ૦મી જન્‍મજયંતિ ઉજવણીની આયોજન સમીતીની બેઠકમાં પણ ભાગ લીધો

ગાંધીનગર, તા.૨ : મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આજે દિલ્‍હીમાં છે. તેઓ ત્‍યાં વડાપ્રધાન મોદીને મળવાના છે. રાજયમાં કંડલા ખાતે યુનાઇટેડ આરબ અમિરાત સરકારે ફૂડ સિકયોરિટી ઝોન તથા ફુડ પાર્કના નિર્માણ માટે જંગી ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કરવામાં રસ દર્શાવ્‍યો હોઇ આ મિટિંગ યોજાઇ રહી છે અને આ નિમિત્તે રાજય સરકારની કામગીરી સંદર્ભે પણ ચર્ચા થઇ હતી.

ગત ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદી યુએઇના પ્રવાસે ગયા ત્‍યારે ત્‍યાં, યુએઇ સરકાર ભારતને પેટેલિયમ ક્ષેત્રે સહાય કરે અને યુએઇની ખાદ્યચીજોની જરૂરિયાત માટે નિકાસલક્ષી ફૂડ પ્રોસેસિંગ ઝોન તથા ફૂડ પાર્ક સ્‍થાપવામાં ભારત સહાય કરશે એ મુદે વિસ્‍તૃત વાતચીત થઇ હતી. તેથી કંડલામાં યુએઇના સૂચિત જંગી મૂડી રોકાણ સંદર્ભે દિલ્‍હીમાં બેઠક યોજાવાની છે. જેમાં યુએઇ સરકારનું ડેલિગેશન સામેલ થશે. જો કે મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસને પણ આ બેઠક માટે તેડાવવામાં આવ્‍યા છે. દિલ્‍હીમાં વડાપ્રધાન મોદીના અધ્‍યક્ષસ્‍થાને મહાત્‍મા ગાંધીજીની ૧પ૦મી જન્‍મજયંતી ઉજવણી સમિતિની બેઠક પણ યોજાવાની છે. જેમાં મુખ્‍યમંત્રી રૂપાણીએ સભ્‍યની રૂએ હાજરી આપી હતી.

દિલ્‍હીના આ બેઠકના પરિપ્રેક્ષ્યમાં આવતીકાલ બુધવારની મંત્રીમંડળની બેઠક મુલત્‍વી રખાઇ હોવાનું જણાવાઇ રહ્યું છે.

(4:29 pm IST)