Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અમદાવાદના હજ્જ ટૂર્સના સંચાલક સામે સમન્સ

૪૦ લોકો સાથે ૧૬ લાખની ઠગાઇ આચરી

અમદાવાદ તા. ર :.. હજયાત્રીઓ સાથે ઠગાઇ કરનાર ટૂર ઓપરેટર રાજૂભાઇ સહિત પાંચ સામે છેતરપીંડી, વિશ્વાસઘાતનો ગુનો બનતો હોવાનું અવલોકન કરી એડીશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ એસ. એમ. સોલંકીએ સમન્સ ઇસ્યુ કર્યા છે. દાણીલીમડા ખાતે રહેતા મહંમદયુનુસ પટેલે કોર્ટમાં છેતરપીંડી વિશ્વાસઘાતની કલમ મુજબ જમાલપુર રહેતા તૌફીક વિશાલપુરા, આસ્ટોડિયાના ગોળ લીમડા ખાતે આવેલી મહેતાબ ટૂરના માલિક રાજૂભાઇ, પરિતોષ, આસીક અને મોઇન સામે પ્રાઇવેટ ફરીયાદ કરી હતી.

જેમાં તેમના એડવોકેટ આદીલ મેમણે એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓ અમને મહારાષ્ટ્રની દરગાહ ખાતે મળ્યા હતાં. જયાં તેમણે પોતાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની હોવાથી ઓછા ખર્ચે હજ્જ યાત્રા લઇ જવાનું વચન આપ્યું હતું. જેથી મહંમદયુનુસ આસ્ટોડીયા ખાતે આવેલી ટૂરની ઓફીસે મળવા ગયા હતા અને રપ હજાર રૂપિયા ટીકીટ ભાડા પેટે નક્કી કર્યા હતાં. આમ તેમણે પ૦ વ્યકિતઓ પાસેથી અંદાજે ૧૬ લાખ રૂપિયા ઉઘરાવી તેમને ટિકીટ પેટે આપ્યા હતાં. પરંતુ પૈસા આપ્યા બાદ તેમણે ટિકીટ માટે ગલ્લા તલ્લા શરૂ કર્યા હતાં. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસે કોઇ જ પગલા ન લેતા કોર્ટમાં ફરીયાદ કરવી પડી છે.ત્યારબાદ કોર્ટે સીઆરપીસીની કલમ ર૦ર મુજબ તપાસનો આદેશ કર્યો હતો. જેમાં આરોપીઓએ પૈસા પરત ન આપ્યા હોવાનું બહાર આવ્યુ હતું જેથી કોર્ટે આ મામલે આરોપીઓ સામે છેતરપીંડી, વિશ્વાસઘાત મુજબ ગુનો બનતો હોવાનું માની તેમની સામે સમન્સ ઇસ્યુ કર્યો છે. (પ-૧૧)

(11:54 am IST)