Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ખાનગી સ્કૂલો બાળકોને એલસી પકડાવી કાઢી મૂકે છે, સરકાર ઊંઘે છે : વાલીઓ

અમદાવાદ સહિત રાજયની ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓના એલસી આપવા લાગીઃ સ્કૂલોના આ નિર્ણય ગેરકાયદે છતાં સરકાર કહે છે સંચાલકોને મળી નિવેડો લાવીશું

રાજકોટ, તા. ર : અમદાવાદ સહિત રાજયભરની ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓના એલસી આપવા લાગી હોવાની ફરીયાદો ઉઠી છે. ખાનગી સ્કૂલો બાળકોને એલસી પકડાવી કાઢી રહી છે ત્યારે બીજી તરફ રાજય સરકાર ઊંઘતી હોવાના વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. સ્કૂલો દ્વારા બાળકોને ફીના મુદ્દે એલસી પકડાવી દેવાનો નિર્ણય ગેરકાયદે હોવા છતા રાજય સરકાર કહે છે કે, અમે ટૂંક સમયમાં સંચાલકો સાથે બેઠક કરી નિવેડો લાવીશું. સૌથી મહત્વની વાત તો એ છે કે, રાજય સરકારના જે જે એકટની કલમ ૭પ(એ) મુજબ કોઇપણ ખાનગી સ્કૂલ ફીના મુદ્દે વિદ્યાર્થીઓનું એલસી આપી શકે નહી છતાં સ્કૂલો દ્વારા એલસી અપાઇ રહી છે. આમ સ્કૂલ સંચાલકોની આવી અવળ ચંડાઇ સામે રાજય સરકાર નિષ્ક્રિય બની તમાશો જોઇ રહી હોવાના વાલીઓ આક્ષેપો કરી રહ્યા હોવાનું પ્રસિદ્ધ થયું છે.

ફી નિર્ધારણ કાયદાના મામલો હાલમાં સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ છે. સુપ્રિમ કોર્ટે રપના વચગાળાના ચૂકાદામાં નિર્દેશ કર્યો હતો કે, સરકાર, સંચાલકો અને વાલીઓ સાથે બેસીને યોગ્ય નિરાકરણ લાવે. પરંતુ વાલીઓના ખીસ્સા ખંખેરવાની મેલી મૂરાદ ધરાવતા સંચાલકો બેઠકની રાહ જોવાના બદલે વાલીઓ પર ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સ્કૂલ સામે વિરોધ નોંધાવનાર વાલીઓના બાળકોના પ્રવેશ રદ કરવામાં આવી રહ્યાં છે. સ્કૂલ સંચાલકોની આવી ખુલ્લી દાદાગીરી સામે રાજય સરકાર કડક કાર્યવાહી કરવાના બદલે ટૂંક સમયમાં સંચાલકો સાથે બેઠક યોજી યોગ્ય નિવેડો લાવીશું તેવો વાયદો કરવામાં આવી રહ્યો છે.(૮.૬)

(10:49 am IST)