Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

' માં તે માં બીજા બધા વગડાના વા'':33 વર્ષ બાદ માતાની શોધમાં સ્વીડનથી સુરત પહોંચી દીકરી

માતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે સુરતના નારી નિકેતન ગૃહમાં મૂકી ગઈ:સ્વીડનના પરિવારે દત્તક લીધેલ

 

સુરતઃ કહેવાય છે કે 'મા તે મા બીજા બધા વગડાના વા'એક માતાએ સમયની લાચારી અને ગરીબીના કારણે ભરણપોષણ કરી શકતા મજબૂરીવશ દીકરીને નારી નિકેતનમાં મૂકી આવી હતી. અને આજે દીકરી 33 વર્ષ બાદ સ્વીડનથી સુરત આવી પોતાની વકીલ મિત્રની મદદ લઈ તેની માતાને શોધી રહી છે.

 તેની માતાની શોધ માટે તેને સુરતના કમિશનર સતિષ શર્મા પાસેથી મદદ માગી છે. 33 વર્ષ પહેલા દિકરીની માતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તે સુરતના નારી નિકેતન ગૃહમાં મૂકી ગઈ હતી. જ્યારે બાળકી 3 વર્ષની થઈ ત્યારે તેને સ્વિડનના એક પરિવારે દત્તક લીધી હતી. ત્યારે હવે 33 વર્ષ બાદ દિકરી તેની માતાની શોધ માટે સ્વિડનથી સુરત આવી છે. અને તેની માતાની શોધ કરી રહી છે.

   સ્વિડનમાં રહેતી કિરણ નામની યુવતી તેની સગી માતાને શોધવા માદરે વતન સુરત આવી છે. કિરણે જણાવ્યું હતું કે, 'તેને જન્મ આપનારી માતાનું નામ ઈન્દિબેન છે. માતા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ગરીબીને કારણે માતા ઘોડદોડ રોડ પર આવેલા નારી નિકેતનમાં મને મૂકી દીધી હતી. વાત 1985ની છે. બે વર્ષ બાદ એક કપલે મને દતક લેવા માટે આવ્યું હતું. થોડા સમયમાં અમે ભારત છોડી સ્વિડનમાં સ્થાયી થઈ ગયા હતા.'

   વધુમાં કિરણે જણાવ્યું હતું કે, 'પાલક પરિવારે લાડકોડથી મોટી કરી છે. તમામ જરૂરીયાતો પુરી કરી છે. જોકે, જન્મ આપનારી માતાનો ચહેરો દીલમાં હોય માતાની શોધ માટે ફરી એક વખત ભારત આવી છું. માતાની શોધ માટે મારી એક મિત્ર મને સાથ આપી રહી છે. અને નેધરલેન્ડની અગેઈન્સ ચાઈલ્ડ ટ્રાફિકિંગ સંસ્થાનો સાથ મળતા સુરત આવવાનું શક્ય બન્યું છે.

   કિરણ સ્વિડનમાં રહેતા પરિવારની સંમતીથી સુરત આવી પહોંચી છે. અને ઘોડદોડ રોડ પર જ્યાં માતા ઘરકામ કરતી હતી. ત્યાં જઈ પરિવારને મળી હતી. જોકે, તેને સફળતા મળી હતી. જેથી કિરણે પોલીસ કમિશનર સતિષ શર્માને રજૂઆત કરી છે.

(1:02 am IST)