Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

૭૦ દિવસમાં ૨૧ લાખની કમાણી

બનાસકાંઠાના ખેડૂતે બટાટાની ખેતી છોડીને શક્કર ટેટી, ચેરી ટોમેટોની ખેતી અપનાવી

ડીસા, બનાસકાંઠા ડીસા નજીકના ગામના ખેડૂતે આ પરંપરાગત બટાટાની ખેતી મુકીને પોતાના ૭ વીઘાના ખેતરમાં શક્કર ટેટીની ખેતી કરીને સારી એવી કમાણી કરી છે. બનાસકાંઠા ચંદાજી ગોળિયા ગામના ખેડૂત ખેતાજી સોલંકીએ ૭ વીઘા જમીનમાંથી ૧૪૦ ટન શક્કર ટેટીનું મબલખ ઉત્‍પાદન મેળવીને ગામના ખેડૂતોને બટાટા ફેંકી દેવા કે પાકના ભાવ ન મળવા તેવી બાબતોને લઈને રડવા કરતાં કંઈક નવું કરીને વધુ આવક મેળવીને અન્‍ય ખેડૂતો માટે પ્રેરણાદાયક કામગીરી કરી છે.

ખેતાણી સોનાજી સોલંકીએ આધુનિક કૃષિ ટેક્‌નિક મલ્‍ચિંગ અને ઓછું પાણી વાપરતી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો, એટલે જ નહીં તેમણે રાજય સરકારની સબસિડી મેળવીને સોલાર વોટર પંપ દ્વારા ટયુબવેલ સિંચાઈ વ્‍યવસ્‍થા પણ લગાવી છે. આ તમામ બાબતોને ખેડૂતને સારો પાક મેળવી આપ્‍યો અને પરિણામે ખેડૂતને સારા ભાવ મળ્‍યા.

ખેતાજીએ ખેતીમાં પરિવર્તન લાવીને સાત વીઘા જમીનમાં ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ શક્કરટેટીનું વાવેતર કર્યું હતું અને એપ્રિલના બીજા અઠવાડિયામાં ઉત્‍પાદન પણ લઈ લીધું છે. માત્ર ૭૦ દિવસના ટૂંકા ગાળામાં રૂા.૨૧ લાખની આવક મેળવી છે. ખેતાજી સોલંકીને ટાંકીને ઈકોનોમીક ટાઈમ્‍સ નોંધે છે કે ‘‘શક્કરટેટીના વેચાણ માટે બહાર જવું પડતું નથી. વેપારીઓની માંગને આધારે શ્રીનગર, જમ્‍મુ- કાશ્‍મીર, રાજસ્‍થાન અને વેપારીઓએ સારા ભાવ પણ આપ્‍યો હતા. બટાટાની ખેતી કરીને ભાવ મેળવવાની ભાંજગડમાંથી મુકત થવા હવે આગામી સીઝનમાં પણ પરંપરાગત ખેતીના સ્‍થાને ચેરી- ટોમેટોનું વાવેતર કરવાનું આયોજન છે.''

ખેતાજીએ માત્ર સાત ધોરણ સુધી જ અભ્‍યાસ કરેલો છે પરંતુ મોબાઈલ એપ્‍લિકેશન અને કૃષિના તજ્‌જ્ઞોના સંપર્કમાં રહેવા ઉપરાંત જૈવિક ખાતરનો ઉપયોગ, મલ્‍ચિંગ જેવી કૃષિ ટેક્‌નિકના ઉપયોગ દ્વારા બાગાયત ખેતીમાં મહારથ હાંસલ કરી છે. ફકત સાત વીઘા જમીન ધરાવતા ખેતાજીએ તેમની જમીનમાં રૂા.૧,૨૧,૦૦૦નો ખર્ચ કરી રૂ.૨૧ લાખની કમાણી કરી છે. ઉચ્‍ચ ગુણવતાવાળી ટેટીથી ઊંચા ભાવ પણ મેળવ્‍યા છે. ડીસાથી ગોલ્‍ડન ગ્‍લોરી નામની શક્કરટેટીનું વાવેતર કર્યું હતું.(૩૦.૬)

(1:36 am IST)