Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અમદાવાદ મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા ડો. વિક્રમ સારાભાઇની પ્રતિમા રિવરફ્રંટ પર મુકવાની યોજનાને મંજૂરીઃ પ્રતિમા માટે સારાભાઇ પરિવાર દ્વારા જમીન પુરી પાડવામાં આવશે

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન દ્વારા રોકેટ વિજ્ઞાનના પિતામહ ડો. વિક્રમ સારાભાઇની પ્રતિમાને રિવરફ્રંટ પર મુકવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

AMC દ્વારા ઉસ્માનપુરામાં વિક્રમ સારાભાઈના નિવાસસ્થાનની બહાર જ સાબરમતી રિવરફ્રંટ પર તેમની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

પ્રતિમા માટે જમીન સારાભાઈ પરિવાર દ્વારા પુરી પાડવામાં આવશે. વિક્રમ સારાભાઈ જે સ્થળે ટેબલ-ખુરશી પર કામ કરવા બેસતા હતા તે જ સ્થળે પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વિક્રમ સારાભાઈ બેઠા હોય તેવી પ્રતિમા તૈયાર કરવામાં આવશે અને લોકો બાજુમાં બેસીને ફોટો પડાવી શકશે.

CEEના ફાઉન્ડર અને સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ જણાવે છે કે, ડોક્ટર સારાભાઈ ખુરશી પર બેઠા હોય અને આગળ ટેબલ મુકેલું હોય તેવી પ્રતિમા તૈયાર કરવામાં આવશે. સારાભાઈના ફેવરિટ સ્પોટ પર જ પ્રતિમા મુકવામાં આવશે.

વિક્રમ સારાભાઈ વિચારવા માટે અને શાંતિ માટે સાબરમતીના કિનારે આવતા હતા. અમદાવાદમાં PRL અને ISROની સ્થાપના કર્યા પછી તે પોતાના સહકર્મચારીઓને પ્રોજેક્ટ્સની ચર્ચા કરવા માટે ઘરે બોલાવતા હતા. અને ઘરની બહાર ખુલ્લા વાતાવરણમાં બેસીને તેઓ ચર્ચા કરતા હતા.

ઉલ્લેખનીય છે કે 11 નવેમ્બર, 1947ના રોજ કસ્તુરભાઈ લાલભાઈ, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, કર્મક્ષેત્ર એજ્યુકેશનલ ફાઉન્ડેશન અને એટોમિક એનર્જી કમિશનના ફંડના સપોર્ટથી તેમણે MG સાયન્સ કોલેજમાં PRLની પહેલી લેબોરેટરીની સ્થાપના કરી હતી.

(6:17 pm IST)