Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ધો. ૯થી ૧રના વિદ્યાર્થીઓ માટે યુ-ટયુબ પર શિક્ષણ : પાઠયપુસ્તકો વેબસાઇટ પર

શાળાઓ ભલે બંધ હોય, સોશ્યલ મીડિયાના માધ્યમથી ભણી શકો છો

રાજકોટ, તા. ર : રાજય સરકારે લોકડાઉન અને વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી વ્યવસ્થા કરી છે. આ અંગે આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમ શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે આચાર્યા, વાલીઓ, વિદ્યાર્થીઓ જોગ પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા BISAG ના સહયોગથી ધોરણ ૯ થી ૧ર ના મુખ્ય વિષયોના શૈક્ષણીક કાર્યક્રમો રાજયના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરાવેલ છે અને BISAG મારફતે વંદે ગુજરાત ચેનલ નં. ૯ થી  ૧ર પર પ્રસારિત થાય છે. જે DD ફ્રી ડીશ પર નિહાળી શકાય છે. આ ઉપરાંત બોર્ડ દ્વારા લાભાર્થીઓના ઘર સુધી ઉકત કાર્યક્રમનો લાભ મળે તે હેતુથી બોર્ડની You Tube ચેનલ (GSHSEB)માં ઉકત ધોરણોના પ્રકરણ વાર મુખ્ય વિષયોના તજજ્ઞો દ્વારા તૈયાર કરેલ વિષય વસ્તુની સમજ કેળવાય તેવા શૈક્ષણીક કાર્યક્રમો અપલોડ કરેલ છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓ નિહાળી શકે છે.

સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે વિદ્યાર્થીઓ કે જેઓ રાજય સરકારના માસ પ્રોમોશનના નિર્ણય અનુસાર ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ ધોરણ-૯ માં, ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ માં અને ધોરણ-૧૧ ના વિદ્યાર્થીઓ ધોરણ-૧ર માં પ્રવેશ મેળવેલ છે. જેથી તેઓ નવા ધોરણનો ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે બોર્ડની You Tube ચેનલ (GSHSEB) માં જઇને મુખ્ય વિષયોમાં પ્રકરણવાર ઉકત એપીસોડમાં અભિવ્યકત કરવામાં આવેલ વિષય વસ્તુનો અભ્યાસ કરી શકશે. અને વારંવાર મહાવરો કરી શકશે.

વધુમાં રાજય સરકાર દ્વારા પાઠયપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરેલ પાઠય પુસ્તકોની સોફટ કોપી પાઠયપુસ્તક મંડળની http://gujarat-education.gov.in/ TextBook/Textbooks/new-syllabus2020.htm વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. જેનો પણ ઉપયોગ કરીને આ સમય ગાળાનો સદઉપયોગ કરી શકાય.

(3:49 pm IST)