Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

અમારી 'પીગી બેન્ક'ના પૈસા પોલીસ અંકલને આપી ગરીબોને મદદ કરવી છે

અમદાવાદ : કોરોના વાઇરસની મહામારીમાં અનેક લોકો કોઈને કોઈ રીતે મદદ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બાળકોને પણ બાળ રક્ષક ગણાવ્યા છે.  અમદાવાદમાં રિલીફ રોડ પર રહેતા ત્રણ નાના બાળકોએ પોતાની પીગી બેંકમાં જમા કરેલા કુલ ૫૫૦૦ રૂપિયા ગરીબોની મદદ માટે જમા કરાવ્યા છે. પોલીસ બાળકોએ જમા કરાવેલા આ પૈસાથી ગરીબોની મદદ કરશે.

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.કે. ગોહિલના લોકડાઉન દરમિયાન દ્યરમાં રહેવા માટેના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. પોલીસ ૨૪ કલાક રોડ પર ફરજ બજાવે છે. ગરીબોને જમવાનું અને મદદ કરે છે. રિલીફ રોડ પર રહેતા મોઇનખાન મેમણ પરિવારના મોહંમદ ઝૈબ, મોઇન અને આમીના નામના ત્રણ બાળકોએ પણ ગરીબોને મદદ કરવાનું નક્કી કર્યું હતુ. ગરીબોને પોતાના પૈસાથી વસ્તુ લાવી મદદ કરવા માટે માતા-પિતાને કહ્યું હતું.મોઇનખાનના પરિવારે જણાવ્યું હતું કે, બાળકોએ પીગી બેન્કના પૈસા આ પોલીસવાળા અંકલને જ પૈસા આપવાનું કહેતા અમે તપાસ કરી હતી અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગયા હતા. જયાં અમારા બાળકોએ આ પૈસા અધિકારીને આપ્યા હતાં.

પીએસઆઈ પી.કે ગોહિલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો જોઈ બાળકો પોતાની બચતના પૈસા ગરીબોમાં મદદ માટે આપવા આવ્યા હતા. બાળકોએ કરેલી આ બચતના પૈસા ગરીબો પાછળ વાપરવામાં આવશે. આવા બાળકો અને પરિવાર પર ગર્વ છે. દેશનો દરેક યુવાન અને બાળક આવા વિચારો રાખશે તો દેશને કોઈપણ મહામારી અને દેશ સામે ઝુકવું નહીં પડે.

(3:51 pm IST)