Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

એક જ દિવસમાં ૧૦.૨૨ લાખ પરિવારોને અનાજ વિતરણઃ આજથી મહાનગરોની જવાબદારી કોર્પોરેશનોને

રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાં અફડાતફડી થતા મુખ્યમંત્રીએ કોર્પોરેશનના અધિકારીઓને ટપાર્યા

રાજકોટ તા. ૨ : રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિને અનુલક્ષીને ગરીબ રેશનકાર્ડ ધારકોને એપ્રીલમાં ઘઉં, ચોખા, ખાંડ વગેરે વિનામૂલ્યે આપવાનું જાહેર કરેલ. તે મુજબ ગઇકાલથી વિતરણનો પ્રારંભ થયો છે. ગઇકાલે પ્રથમ દિવસે રાજકોટ - અમદાવાદ જેવા શહેરોમાં ભારે ગીર્દી સાથે અફડાતફડી થતાં મુખ્યમંત્રીએ તાત્કાલિક મહાનગરની વિતરણ વ્યવસ્થા માટે જે તે મ્યુનિ. કોર્પોરેશનના સ્ટાફને કામે લાગવા સૂચના આપી છે. પ્રથમ દિવસના અમુક શહેરોના અનુભવથી મુખ્યમંત્રીએ કોર્પોરેશનના અમુક અધિકારીઓને ટપાર્યા હતા. આજથી રેશનકાર્ડની દુકાનો પર રાશન વિતરણમાં કોર્પોરેશનના સ્ટાફની પણ ભૂમિકા રહેશે. પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે.

ગઇકાલે પ્રથમ દિવસે સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી સસ્તા અનાજની દુકાનો ખુલ્લી રખાયેલ. ગઇકાલે રાત સુધીમાં ૧૦.૨૨ લાખ રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો આપી દેવાયાનું સરકારે જાહેર કરેલ છે. કુલ ૬૩ લાખ જેટલા પરિવારોને મફત અનાજ આપવાનું આયોજન છે. આજે બીજા દસેક લાખ રેશનકાર્ડ ધારકોને જથ્થો મળી જાય તેવી સંભાવના છે. ગાંધીનગરથી વિતરણ વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

(11:45 am IST)