Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

માસ્ક પહેર્યા વગર નિકળનાર બે યુવાનો સામે ગુન્હા દાખલઃ ગુજરાતની પ્રથમ ઘટના

અમદાવાદમાં પોતાના અને બીજાના જીવને જોખમમાં મુકતી આઇપીસીની આકરી કલમો હેઠળ ગુન્હો દાખલ થતા ખળભળાટ : જીવન જરૂરી ચીજો આપવા અનેક જગ્યાએ માસ્ક વગર જવાનો હતો સોશ્યલ ડીસ્ટન્સ સહીતના નિયમોનું ઉલ્લંઘન કરતા દાખલ બેસાડવા કાર્યવાહી કરી છેઃ ડીવાયએસપી કે.ટી. કામરીયા સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૨: કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉન દરમિયાન નિયમોનો ભંગ કરી બહાર નિકળતા લોકો સામે ગુન્હા દાખલ થાય છે તે બાબતે હવે લોકોને નવાઇ લાગતી નથી પરંતુ અમદાવાદમાં એક અભુતપુર્વ ઘટના બની છે.  માસ્ક પહેર્યા વગર નિકળેલા  બે યુવાનો સામે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની  બોપલ પોલીસે આકરી કલમો હેઠળ ગુન્હો દાખલ કરતા ખળભળાટ મચી ગયો છે.

જીવન જરૂરી વસ્તુઓના વેચાણ સાથે  સંકળાયેલ ર૮ વર્ષના મનીષ બારોટ સ્કુટર પર અલગ-અલગ વિસ્તારોમાં કરીયાણું તથા અન્ય જીવન જરૂરી ચીજો પહોંચાડવા  સ્કુટર પર નિકળ્યા હતા પરંતુ તેઓએ માસ્ક પહેરેલ ન હોય પોલીસે ગુન્હો દાખલ કરતા અને આકરી કલમો લગાડતા ઉકત યુવાન હેબતાઇ ગયો હતો. આ યુવાન એવું માનતો હતો કે માસ્ક પહેરવંુ દરેક માટે ફરજીયાત  નથી અને આવી વાતો અને અહેવાલો તેના ધ્યાને હોવાથી માસ્ક પહેરેલ નહી.  આજ રીતે  પનારા નામના ૩૦ વર્ષના  નારણપુરા વિસ્તારના યુવાનને પણ માસ્ક પહેર્યા વગર નિકળી પોતાના અને અન્યના જીવને જોખમમાં મુકવા જેવી આઇપીસીની કલમ ર૬૯ અને ૧૮૮ લગાડવામાં આવી હતી.

ઉકત બાબતે સાણંદના વિભાગીય પોલીસવડા કે.ટી.કામરીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે આરોગ્યના તમામ નિયમોનો ભંગ સાથે સોશ્યલ ડિસ્ટન્સ  મેઇન્ટેઇન કરેલ નહિ, તેઓએ જણાવેલ કે માસ્ક પહેર્યા વગર તે અનેક લોકોના સંપર્કમાં ચીજ વસ્તુ પહોંચાડવા માટે મળવાનો હતો. આના કારણે પોતાના સાથે અન્યના જીવ પર જોખમ તોળાતુ હોવાથી દાખલો બેસાડવા આવી કાર્યવાહી સ્ટાફે કર્યાનું જણાવેલ.

અમદાવાદમાં માસ્ક પહેર્યા વગર સફાઇઃ સફાઇ કામદારને લોકોએ માર માર્યો

રાજકોટઃ અમદાવાદમાં જાણે માસ્ક ન પહેરવું  એ બાબત પોલીસની માફક લોકો પણ ખુબ જ ગંભીરતાથી લેતા હોય તેમ માસ્ક પહેર્યા વગર સફાઇ કામ કરી રહેલા હરીશ ગોહીલ નામના સફાઇ કામદારને લોકોએ માર માર્યો હતો. જો કે આ ઘટનામાં પોલીસે માર મારનારાઓ સામે ગુન્હો દાખલ કરાવ્યો હતો.

(11:38 am IST)