Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

રેશન કાર્ડ ન ધરાવનારને હવે અન્નબ્રહ્મ હેઠળ રાશન મળશે

એક લાખથી વધુ આવકવાળાને રાશન નહીં : દર મહિને રાશન લેતા હોય તેવા લોકોને હાલ લાભ મળશે

અમદાવાદ,તા. ૧ : આજથી ગરીબો અને શ્રમિકોને વિનામૂલ્યે અનાજ સહિતના પુરવઠા વિતરણની કામગીરી સંદર્ભે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ થોડી સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વિનામૂલ્યે રાશન આપવાનો નિર્ણય કર્યો છે તેમાં ૩ લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે. શ્રમિકો પાસે રેશનકાર્ડ નહીં હોય તેમને અન્નબ્રહ્મ યોજના હેઠળ રાશન વિતરણ કરાશે. તા.૪ કે ૫ એપ્રિલથી આ અન્નબ્રહ્મ યોજના શરૂ થશે. રેગ્યુલર લેતા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળે છે. રાજયમાં ૧.૨૦ રાશનકાર્ડ છે. જેના થકી ૬૫.૪૦ લાખ પરિવારને લાભ મળશે. દર મહિને જે લોકો રાશન લેતા હોય તેને જ લાભ મળશે. સૌથી મહત્વનું કે, એક લાખ કરતા વધુ આવક ધરાવતા લોકોને રાશન નહીં મળે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેઓની પાસે રાશનકાર્ડ નથી. પરંતુ તેઓને અત્યારે રાશન આપવામાં નહીં આવે. આવા વ્યક્તિઓનો સર્વે કરાવવા અને લાભ આપવા માટે કલેકટરને પાવર આપવામાં આવ્યા છે. આગામી ચારથી પાંચ તારીખ બાદ આવા તમામ લોકોને પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મફતમાં અનાજ અને કરિયાણું આપવામાં આવશે.

                જેથી કોઈ પણ પરપ્રાંતીય લોકો કે જેઓની પાસે રાશનકાર્ડ ન હોય જેના કારણે તેઓ આ યોજનાથી વંચિત ન રહે. તો સાથે જ આ મહિનાનો તમામ અનાજ અને કરિયાણું ઓફલાઈન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈ પણ રાશનકાર્ડધારકએ પોતાનું ફિંગર પ્રિન્ટ આપવાની જરૂર નહીં પડે. માત્ર સસ્તા અનાજના દુકાનદારો  જ રજીસ્ટર મેઇન્ટેન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, આજથી રાજયભરની સસ્તા અનાજની ૧૭૦૦૦થી વધુ દુકાનો પર અનાજ અને પુરવઠા વિતરણની કામગીરી ગરીબો અને શ્રમિકો માટે વિનામૂલ્યે શરૂ કરવામાં આવી ત્યારે ભારે હોબાળા અને અંધાધૂંધીના દ્રશ્યો સામે આવ્યા પરંતુ હવે સરકારની સ્પષ્ટતા અને તા.૪ તથા પમી એપ્રિલ બાદ પરિસ્થિતિ થાળે પડશે તેમ લાગી રહ્યું છે.

(9:44 pm IST)