Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પીપીળ બેઠકના ઉમેદવારનું રિઝલ્ટના ૧ દિવસ પૂર્વે મૃત્યુ

રાજ્યની તાલુકા પંચાયતની ચૂંટણીની કમનસીબ ઘટના : ઉમેદવાર લીલાબેન ઠાકોરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને તેમનો શાનદાર વિજય થયો હતો

અમદાવાદ, તા. ૨ : સાણંદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર અપક્ષ ઉમેદવાર લીલાબેન ઠાકોરનો વિજય થયો છે. મળતી માહિતી પ્રમાણે ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે ૧ માર્ચના રોજ લીલાબેનનું મૃત્યું થયું હતું. આમ લીલાબેન ચૂંટણીનો જંગ તો જીતી ગયા પરંતુ જિંદગીનો જંગ હારી ગયા. જણાવી દઈએ કે, સાણંદની પીપળ બેઠક પરથી લીલાબેને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપ આગળ છે. પરિણામોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો પણ કારમો પરાજય થયો છે. આ દરમિયાન વિવિધ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના હાર જીતનો સીલસીલો ચાલી રહ્યો છે. જેમાં સાણંદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર લીલાબેન ઠાકોરનો વિજય થયો છે. લીલા બહેને પોતાના વિસ્તારમાંથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ પરિણામ આવે તે પહેલા લીલા બહેનનું ગઈકાલે સોમવારે મૃત્યુ થયું હતું.

લીલા બહેન સાંણદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર અપક્ષમાંથી લડી રહ્યા હતા. આજ રોજ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની પાલિકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર કરાયા હતા, ત્યારે લીલા બહેનને સ્થાનિકોએ મત આપીને વિજેતા બનાવ્યા હતા, પરંતુ ભગવાને હરાવ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આજે જાહેર થયેલા પરિણામ અને જીતની ઉજવણીમાં તેઓ સહભાગી બની શક્યા નહોતા.

(8:04 pm IST)