Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વિરમગામ તાલુકા પંચાયતમાં કમળ ખીલ્યું, ભાજપને સ્પષ્ટ બહુમતી

તાલુકા પંચાયતની ચૂંટણીમાં 16 બેઠકો પર ભાજપ અને 4 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય :તાલુકાના મતદારોનો હ્રદયપુર્વક આભાર : કિરીટસિંહ ગોહીલ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમળ ખીલ્યું છે. વિરમગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. તાલુકા પંચાયતમાં ઉમેદવારોની જીતનો શ્રેય ભાજપના કાર્યકરોને આપવામાં આવ્યો છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં 16 બેઠકો પર ભાજપના અને 4 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. વિજેતા ઉમેદવારોને સમર્થકો દ્વારા વધાવવામાં આવ્યા હતા અને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. અમદાવાદ જિલ્લા પંચાયતની કરકથલ, સચાણા અને ઘોડા પર ભાજપના ઉમેદવારો જીત્યા છે. જયારે શાહપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામ તાલુકા પંચાયતની ગોરૈયા, વણી, થોરી મુબારક, કરકથલ, ઓગણ, ઘોડા, થુલેટા, વાંસવા, થોરીથાંભા, સચાણા, હિરાપુરા, જુનાપાધર, કોકતા, જેતાપુર, વેકરિયા, ઝેઝરેની સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બન્યા છે. જયારે વિરમગામ તાલુકા પંચાયતની કાયલા, દસલાણા, નદીયાણા અને શાહપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા છે.

 વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ  ગોહિલે જણાવ્યું હતું કે વિરમગામ તાલુકા પંચાયતમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે અને ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. વિરમગામમાં ભાજપના ઉમેદવારોની જીતનો શ્રેય અનેક કાર્યકરોની મહેનત ને જાય છે.  ભાજપ સાથે અડીખમ ઊભા રહેવા બદલ વિરમગામ તાલુકાના મતદારોનો હ્રદયપુર્વક આભાર.

તસવીર- રસીક કોળી (રૂપાવટી)

(6:50 pm IST)