Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

આણંદ જિલ્લાના ઈન્દ્રણજ ગામે કોવીડ-19 ગાઈડલાઇનનું પાલન કરવા જણાવતા ચાર શખ્સોએ પોલીસકર્મી પર હુમલો કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ણંદ જિલ્લાના ઈન્દ્રણજ ગામે ગતરોજ ચૂંટણી મતદાન કેન્દ્ર નજીક કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવતા ચાર શખ્શોએ ભેગા મળી બે પોલીસકર્મી ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હોવાનો બનાવ તારાપુર પોલીસ મથકે નોંધાયો છે. બનાવ અંગે પોલીસે પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપનાર ચાર શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારના રોજ આણંદ જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તારાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હે.કો.દેવજીભાઈ હીરાભાઈ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન તારાપુરના ઈન્દ્રણજ ગામે પ્રાથમિક શાળા ખાતેના મતદાન કેન્દ્ર નજીક લોકોની ભારે ભીડ એકત્ર થઈ હોવાનું જોવા મળતા દેવજીભાઈ તથા તેમની સાથેના પોલીસકર્મીએ લોકોને ભીડ નહી કરી કોવિડના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. દરમ્યાન ઈન્દ્રણજ ગામના કાળુભાઈ મનુભાઈ સોલંકી, દિલીપ ફતેસંગ ચાવડા, પરસોત્તમભાઈ પોપટભાઈ ચાવડા અને હાર્દિક હરજીભાઈ કોડી પટેલ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેમ અપશબ્દો બોલી અમે અહીંયા ઉભા રહીશું અમને કશુ કહેવાનું નહી તેમ જણાવ્યું હતું. પોલીસે તેઓને જાહેરનામાનું પાલન કરવા જણાવતા દિલીપભાઈ તથા કાળુભાઈએ એકદમ ઉશ્કેરાઈ જઈ પોલીસને અપશબ્દો  બોલી દેવજીભાઈ સાથે ઝપાઝપી કરી હતી. દરમ્યાન વચ્ચે છોડાવવા પડેલ પો.કો. વિપુલસિંગ તથા જીઆરડી અને હોમગાર્ડના જવાનોને પરસોત્તમભાઈ તથા હાર્દિક ભાઈએ માર મારી ઈજાઓ પહોંચાડી હાર્દિકે તમારાથી થાય તે કરી લેજો અને રાજકીય પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે દેવજીભાઈએ તારાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાળુભાઈ મનુભાઈ સોલંકી, દિલીપભાઈ ફતેસંગ ચાવડા, પરસોત્તમભાઈ પોપટભાઈ ચાવડા અને હાર્દિકભાઈ હરજીભાઈ કોડી પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:37 pm IST)