Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કોંગ્રેસ સત્તા તો શું વિપક્ષને પણ લાયક નથી

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભગવો લહેરાતા મુખ્યમંત્રી રૂપાણી અને સીઆર પાટીલ કમલમ પહોંચ્યા : ભાજપની વિજયકૂચથી વિજયભાઇ રૂપાણી થયા ખુશખુશાલ : જનતાનો માન્યો આભાર

ગાંધીનગર તા. ૨ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે મોટા શહેરો બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરીવાર ભાજપ ઐતિહાસિક જીત હાંસલ કરવા જઈ રહી છે. નગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની પ્રચંડ જીત જોવા મળી રહી છે ત્યારે ભાજપ નેતાઓમાં ખુશીનો માહોલ છે.ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની એકતરફી જીત થઈ રહી છે અને મોટા ભાગની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ગદગદ થયેલા સીએમ રૂપાણીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાતની જનતાએ જુસ્સાથી કોંગ્રેસના લોકોનો વીણી વીણીને સફાયો કર્યો છે. ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ગુજરાત ભાજપનો ગઢ છે અને આ ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે.

સીએમ રૂપાણીએ આ જીતનો શ્રેય પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને આપતા કહ્યું કે દિલ્હીમાં તો મોસાળે મા પીરસે તેમ તે પીએમ મોદી ગુજરાતને મદદ કરે છે. સાથે સાથે તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલને પણ અભિનંદન પાઠવ્યું અને કહ્યું કે લાખો કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો છે ત્યારે આ પરિણામ આવ્યું છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી, આ પાર્ટીના કાર્યકર્તાઓના પરિશ્રમ બદલ અભિનંદન પાઠવું છું. ૨૦૧૭માં અમે જીત્યા, ૨૦૧૯માં પણ જીત્યા અને ૨૦૨૧માં પણ જીત્યા છે અને ૨૦૨૨માં પણ ફરીવાર ભાજપની સરકાર માટે પાયો નંખાયો છે.

કોંગ્રેસ પર નિશાન સાધતાં સીએમ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ સત્ત્।ા જ નહીં વિપક્ષને પણ લાયક નથી પ્રજાએ શોધી-શોધીને કોંગ્રેસને હરાવી છે.

ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ નીકળી ગયો છે. ભાજપનું બુલડોઝર જાણે પંજા પર ફરી વળ્યું હોય તેમ બપોરે ૨ વાગ્યા સુધીના પરિણામ મુજબ ૩૧ જિલ્લા પંચાયતોમાં ભાજપ બહુમતિ તરફ છે. જયારે ૮૧માંથી ૬૦ કરતા વધુ નગરપાલિકામાં ભાજપ આગળ છે જયારે ૨૩૧માંથી ૨૦૦થી વધુ તાલુકા પંચાયતોમાં ભાજપ આગળ દેખાઈ રહી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓના ગઢમાં ભાજપનો ભવ્ય વિજય થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે આજે તાલુકા-જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓમાં ભાજપની વિજયકૂચ થઈ રહી છે.

(4:15 pm IST)