Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ભાજપના ઉમેદવારનો થયો માત્ર એક મતથી વિજય

અમદાવાદ, તા.૨: હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ખરાખરીનો જંગ જામી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય થયો છે. જેનાથી ભાજપનાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવારનો માત્ર એક જ વોટથી પરાજય થતાં કાર્યકર્તાઓ નિરાશ થયા છે.

મહત્ત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ૨૮ બેઠક પર ૬૩.૬૪ ટકા મતદાન નોંધાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં ૬ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોડીનાર તાલુકા પંચાયતમાં ૬૫.૯૫ ટકા, સૂત્રાપાડામાં ૬૯.૪૬ ટકા, વેરાવળમાં ૭૧.૯૯ ટકા, તાલાલામાં ૬૩.૩૨ ટકા, ઉનામાં ૬૩.૫૭ ટકા, ગીરગઢડામાં ૬૦.૧૯ ટકા મતદાન થયું છે. જયારે નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉનામાં ૪૯.૪ ટકા, વેરાવળ-પાટણમાં ૬૬.૨૫ ટકા, સૂત્રાપાડામાં ૭૨.૮૨ ટકા અને તાલાલામાં ૬૩.૩૭ ટકા મતદાન નોંધાયું છે. ગીર સોમનાથની ૪ નગપાલિકાની ૧૨૮ બેઠકમાં ભાજપની ૨૦ અને કોંગ્રેસની ૨ બેઠક બિનહરિફ જાહેર થઇ છે.

ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ૨૦૧૫માં ભાજપને ૧૩, કોંગ્રેસને ૧૩ અને અન્યને ૨ બેઠક મળી હતી. ગીર સોમનાથની ઉના અને વેરાવળ નગરપાલિકામાં ૨૦૧૫માં ૬૧ બેઠક ભાજપને અને ૧૮ બેઠક કોંગ્રેસની મળી હતી. એક બેઠક અન્યને મળી હતી.

(3:57 pm IST)