Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

એક એવો ગૌભકત જે રોજ સવારે ગાયોની સેવા માટે ધાનેરાથી ટેટોડા ટીફીન લઇને આવે છે

ધાનેરાના શ્રી મફાજી માળી માટે ગૌસેવા જ જીવનનું સુખ છે

શ્રી રાજારામ ગૌશાળા ટેટોડામાં એક એવો ગૌભકત છે જે રોજ સવારે ગાયોની સેવા માટે ધાનેરાથી ટેટોડા ગૌશાળામાં આવે છે. ધાનેરાના શ્રી મફાજી કેશાજી માળી માટે ગૌસેવા જ જીવનનું સાચું સુખ છે. શ્રી મફાજી માળી સવારે વહેલાં ઉઠી ઘરથી ટીફીન લઇ સવારે-૬ વાગ્યે ટેટોડા ગૌશાળામાં આવી જાય છે. તેઓ સવારે-૬.૦૦ વાગ્યાથી સાંજના ૮.૦૦ વાગ્યા સુધી બિમાર ગાયોના વોર્ડમાં ગાયોની સેવાચાકરી કરે છે. છેલ્લા ૧૧ વર્ષથી એકપણ રજા લીધા વગર ગાયોની સેવા ચાકરી કરવી એ તેમના માટે નિત્યક્રમ બની ગયો છે. તેઓ આખો દિવસ ગાયોની સેવામાં ખડેપગે રહે છે. અકસ્માતમાં ઘવાયેલી ગાયોને ઓર્થોપેડીક સારવાર આપવામાં તેમની કુશળતા છે. ઘણી બિમાર ગાયોને સારવાર આપી તેમના દુઃખ, દર્દ દૂર કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.

આશ્રમમાં જે વાછરડાઓને પોતાની મા નથી તેવા વાછરડાઓને બીજી ગાયોનું દૂધ પાઇને ઉછેરવા તથા તેમને પુરક પોષણ આપવું વગેરે કામગીરી પણ તેઓ કરે છે. જે ગાયના વાછરડાને મા નથી તેવા વાછરડા શ્રી મફાજીને જોઇને જાણે પોતાની મા આવી હોય તેમ તેઓ દોડીને તેમની પાસે આવી વ્હાલ કરે છે. આવા નાના અબોલ પશુઓ માટે શ્રી મફાજી માળીમા સમાન છે.    

ઘરે સુખી સંપન્ન પરિવારના શ્રી મફાજી માળી આ સેવા એકપણ રૂપિયાનો ચાર્જ લીધા વિના પોતાના આત્મસંતોષ માટે કરે છે. આશ્રમમાં ગૌશાળાના સ્ટાફ માટે ભોજનાલય છે પણ આશ્રમમાંથી તેઓ પાણી સિવાય કશું લેતા નથી. ઘરેથી ટીફીન લઇને આવવું અને છાસ પણ આશ્રમમાંથી નહીં પીવી તેવા કડક નિયમો પણ પોતે પાળે છે.

તેમને પરિવારમાં ચાર દિકરાઓ છે તેઓ પણ વેલસેટ છે અને સારૃં કમાય છે. શ્રી મફાજીને તેમના કામ વિશે પૂછતા તેમણે જણાવ્યું કે ગાયોની સેવાના કામમાં મને આનંદ આવે છે. તેમણે કહ્યું કે જીવનમાં શું લઇને આવ્યા છીએ અને શું લઇને જવાનું છે. ગાય માતાની સેવા કરવી એ જ મારા માટે તો જીવનનું સાચું સુખ છે.(૨૧.૧૯)

આલેખન : હિરેન સોઢા, સુરત

મો. ૯૭૧૨૫ ૫૪૫૪૪

(3:11 pm IST)