Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ધો. ૧૦ - ૧૨ CBSE બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટમાં ૩ હજારથી વધુ પરીક્ષાર્થીઓ મળી દેશભરના ૩૧ લાખ પરીક્ષાર્થીઓની કસોટીનો પ્રારંભ

રાજકોટ તા. ૨ : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધો. ૧૨માં આજે અંગ્રેજી ઇલેકટીવ અને અંગ્રેજી કોરની પરીક્ષાનું પ્રશ્નપત્ર છે. જ્યારે ધો. ૧૦માં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું પ્રશ્નપત્ર છે. CBSEમાં ધો. ૧૦ અને ધો. ૧૨માં વૈકલ્પિક વિષયોની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થઇ ગઇ છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE)ની ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડના મુખ્ય વિષયોની પરીક્ષાનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે.

ગુજરાત તેમજ દેશભરમાં અને દેશ બહાર પણ પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં દેશભરમાંથી ૩૧ લાખ ૧૪ હજાર ૮૨૧ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં સમગ્ર ગુજરાતના ૩૦ હજારથી વધુ અને અમદાવાદમાં અંદાજે ૭ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજકોટમાં ૩ હજારથી વધુ છાત્રો પરીક્ષા આપી રહ્યા છે.વિદ્યાર્થીઓની પરીક્ષા વ્યવસ્થા દેશના કુલ ૪,૯૭૪ પરીક્ષા કેન્દ્રોમાં કરવામાં આવી છે. શહેરમાં ૧૮ સેન્ટર્સમાં ધોરણ ૧૦ના ૩ હજાર, ધોરણ ૧૨ના ૪ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે અગાઉ પેપર લીક થયા બાદ પેપર વિતરણ વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન CCTV કેમેરાથી પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, CBSE ધોરણ ૧૦ની ૨૯ માર્ચ, ધોરણ ૧૨ની પરીક્ષા ૩ એપ્રીલ સુધી ચાલનાર છે.

(11:57 am IST)