Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

વડોદરાના કમાટીબાગમાં ગેરકાયદે અપાયેલ અેસી બુલેટ ટ્રેન ઝીપ લાઇન લગાવવાનો કોન્‍ટ્રાક્ટ રદ્દ

વડોદરાઃ વડોદરા શહેરમાં આવેલા પ્રખ્યાત કમાટીબાગમાં એરકન્ડીશન્ડ બૂલેટ ટ્રેન અને ઝીપ લાઈન લગાવવાનો કોન્ટ્રાક્ટ ગેરકાયદેસર રીતે આપી દેવાયો હતો. આ અંગે 'જાગો વડોદરા' અને 'કમાટીબાગ મોર્નિંગ વોકર્સ' દ્વારા મ્યુનિસિપલ કાઉન્સિલરને રજૂઆત કરાઈ હતી. તેમની આ રજૂઆતને સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત અને મ્યુ. કાઉન્સિલર અમી રાવતે આગળ વધારી હતી અને ગેરકાયદે રીતે ખાનગી સંસ્થાને અપાયેલો કોન્ટ્રાક્ટ રદ કરાવાયો છે. 

આ અંગે નરેન્દ્ર રાવત અને અમી રાવતે જણાવ્યું કે, વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટરશ્રી વી.આર.ચીખલિયા દ્વારા ખાસ ઓર્ડર દ્વારા મેનેજીંગ ડાયરેક્ટર ખોડલ કોર્પોરેશનન પ્રા. લીમીટેડ સાથે સયાજી બાગ ખાતે એડીશનલ બુલેટ ટ્રેનના મોડેલ જેવી દેખાતી A.C. ટ્રેન અને ઝીપ લાઈન બાબતના તા. ૯ અને ૧૭ મે, ૨૦૧૮ના દિવસે કરાર કરાયો હતો. આ પ્રોજેક્ટમાં કોર્પોરેશનને કરોડોનું નુકશાન કરી કોન્ટ્રકટર કરોડો ક્માવવાનો અને અધિકારીઓ-નેતાઓ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયો હતો.

તેમણે આરોપ લગાવ્યો કે, આ કોન્ટ્રાક્ટ માટે કમિશનર કે કોઈ અધિકારીની પરવાનગી લેવાઈ ન હતી. ભુપેન્દ્ર શેઠે જાતે જ સહી કરીને ગેરકાયદેસરનું એગ્રીમેન્ટ બનાવ્યું હતું અને અમદાવાદની ખાનગી સંસ્થાને બારોબાર આ કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો.

ઉલ્લેખનિય છે કે, આ ભ્રષ્ટાચાર અંગે 21 ઓગષ્ટ, 2018ના રોજ મેયર અને કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સમગ્ર સભામાં અમી રાવતે રજૂઆત કરી હતી કે, કોર્પોરેશને આ પ્રોજેક્ટ રીવ્યુ કરે તો ૪૦ થી ૫૦ કરોડની આવક થાય. તેની સામે 25 વર્ષમાં ફક્ત ૧ કરોડ  અને ૫૦ લાખમાં સોદો કરી ભ્રષ્ટાચાર કરી કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકશાન કરાયું છે. સભામાં ભ્રષ્ટાચારની તપાસની માગ કરી હતી. જેના પગલે મેયર જીગીશાબહેન શેઠ અને કમિશનર અજય ભાદુએ પ્રોજેક્ટમાં તપાસ અને રીવ્યુ કરવાની ખાતરી આપી તાત્કાલિક પ્રોજેક્ટ બંધ કરાવ્યો હતો.

કમિશનર દ્વારા સમગ્ર મામલે વિગતવાર તપાસ કરાયા બાદ 25 ફેબ્રુઆરી, 2019ના રોજ ખાનગી સંસ્થાને તેમની સાથે કરવામાં આવેલો કોન્ટ્રાક્ટ રદ્ કરાયો હોવા અંગેનો એક પત્ર લખવામાં આવ્યો હતો.

(4:43 pm IST)