Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

અમદાવાદ સહિત રાજ્યમાં બેવડી સિઝન : લોકો હેરાન

અમદાવાદમાં પારો ૧૭.૮ થતા ગરમીનો અનુભવ : અમદાવાદમાં પારો આજે ૨૦ ડિગ્રી પહોંચ્યા બાદ વધારે ગરમીનો અનુભવ થશે : બેવડી સિઝનમાં સાવચેતી જરૃરી

અમદાવાદ, તા. ૨ : અમદાવાદ સહિત રાજ્યભરમાં બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ શહેરમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૭.૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૪.૭ ડિગ્રી રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, જામનગર, દ્વારકામાં હળવા વરસાદી ઝાપટા પડવાની તંત્ર દ્વારા આગાહી કરાઈ છે. બીજી બાજુ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં પરંતુ બેવડી સિઝનના કારણે હાલમાં સાવચેતી રાખવા માટે નિષ્ણાત લોકો દ્વારા કહેવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં પારો ૧૭.૮ ડિગ્રી હોવા છતાં બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થયો હતો. ઓફિસો અને ઘરમાં એસીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા દર્શાવે છે કે આ બેવડી સિઝનમાં તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંની અસર દેખાઈ છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે. સ્વાઈન ફ્લુના હાહાકાર વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ સપાટી પર આવ્યા છે. અલબત્ત, તંત્રના પગલાની અસર પણ દેખાઈ રહી છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ૨૩મી ફેબ્રુઆરી સુધીના ગાળામાં માત્ર ૨૩ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ૨૪૭, કમળાના ૯૫, ટાઈફોઈડના ૧૫૫ કેસો નોંધાયા છે. જ્યારે સાદા મલેરીયાના ૧૮ અને ડેન્ગ્યુના ૧૦ કેસ સપાટી પર આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન લોહીના ૧૦૭૬૬૭ નમૂના લેવામાં આવ્યા હતા. બેવડી સિઝનમાં બાળકો અને મોટી વયના લોકોને માઠી અસર થઈ રહી છે. હાલમાં અમદાવાદ માટેની આગાહીમાં જણાવાયું છે કે આવતીકાલે લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ રહી શકે છે. એટલે કે ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ પ્રદેશમાં નીચલી સપાટીએ દક્ષિણ-પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે. આજે જમ્મુ-કાશ્મીર ઉપરાંત હિમાચલ અને અન્ય કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ હતી. જેની અસર પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. શિવરાત્રીની આસપાસ ઠંડીનો ચમકારો નોંધાયે તેવી વકી છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૧૭.૮

ડિસા............................................................ ૧૭.૪

ગાંધીનગર................................................... ૧૧.૨

વડોદરા.......................................................... ૧૭

સુરત........................................................... ૧૭.૬

વલસાડ....................................................... ૧૫.૧

રાજકોટ....................................................... ૧૮.૬

સુરેન્દ્રનગર.................................................. ૧૯.૫

નલિયા........................................................ ૧૪.૬

ભાવનગર....................................................... ૧૬

ભુજ................................................................ ૧૮

કંડલા એરપોર્ટ............................................. ૧૬.૪

(8:32 pm IST)