Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ગુજરાત હાઇકોર્ટે આણંદ સિવિલ હોસ્પિટલના કામમાં વિલંબ અંગે સરકાર પાસે જવાબ માંગ્યો

ગુજરાત હાઈકોર્ટે સરકારને પ્રશ્નો પૂછીને જવાબ માંગ્યો કે તે સ્પષ્ટ કરે કે કેટલા સમયમાં હોસ્પિટલનું કામ પુર્ણ થશે? : આણંદ જિલ્લામાં અલગ સિવિલ હોસ્પિટલ બનાવવાની માંગણી સાથે જાહેરહિતની અરજી

આણંદ જીલ્લામાં સિવિલ હોસ્પિટલ મામલે થયેલી જાહેરહિતની અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને પ્રશ્નો પૂછીને જવાબ માંગ્યો છે. જેમાં રાજ્ય સરકારને પૂછ્યું છે કે તે સ્પષ્ટ કરે કે કેટલા સમયમાં હોસ્પિટલનું કામ પુર્ણ થશે. આ અંગે આણંદ જિલ્લામાં અલગ સિવિલ હોસ્પિટલ બનાવવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર, આણંદ જિલ્લા કલેકટર, આણંદ ડીડીઓ સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી હતી. આજે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવીંદ કુમાર અને આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠમાં વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ જેમાં હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યાં હતા

આ ઉપરાંત રાજ્ય સરકારે પણ હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે જેમાં રાજ્ય સરકારે કહ્યું કે સિવિલ હોસ્પિટલ માટે કરાયેલી જગ્યાની ફાળવણીમાં સ્થાનિકોના વિરોધ અને અન્ય આંતરિક મુદ્દાઓના કારણે પ્રોજેક્ટ સમયસર શરૂ નથી થઈ શક્યો. આ ઉપરાંત આણંદ જિલ્લા કલેકટર જગ્યાની ફાળવણી અને હેતુ માટેનો હુકમ ઝડપથી કરશે તેવી સરકારે કોર્ટને ખાતરી આપી.

લોકોના સ્વાસ્થ્ય મામલે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલના અભાવે નાગરિકોને આરોગ્યલક્ષી હાલાકી ના પડવી જોઈએ. આ ઉપરાંત હાઈકોર્ટે હુકમ કર્યો કે 27 ફેબ્રુઆરી સુધીમાં રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ અંગેનો પ્રોજેક્ટ અને એક્શન પ્લાન કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. આ મામલે મહત્વનું છે કે આણંદ જીલ્લાને અલગ થયે 25 વર્ષથી વધુનો સમય થયો પરંતુ આટલા સમય બાદ પણ પ્રાથમિક સારવાર અને સિવિલ હોસ્પિટલ અંગે લોકોને હાલાકી થતા કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

 

આ અરજીના અરજદારની રજૂઆત હતી કે 2016 માં ખુદ આણંદ જિલ્લા કલેકટરે આણંદમાં અલગ સિવિલ હોસ્પિટલ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ હેતુ માટે જમીનની પણ ફાળવણી કરી દેવાઇ હતી પરંતુ તેમ છતાં હજુ સુધી આ મામલે આગળની કોઇ કાર્યવાહી જ થઇ નથી. રાજયમાં મોટાભાગના તમામ જિલ્લાઓની અલગ સિવિલ હોસ્પિટલ છે ત્યારે આણંદ જિલ્લાને પણ સિવિલ હોસ્પિટલ મળવી જોઇએ.

આ સમગ્ર મામલે આગામી 24 ફેબ્રુઆરીના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે જેમાં સરકાર આ પ્રોજક્ટ અંગેનો એક્શન પ્લાન રજૂ કરી શકે છે.

(9:17 pm IST)