Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી ફરી શર્મસાર થઇઃ વિદ્યાર્થીનીની છેડતીના આરોપી ઘનશ્‍યામ સુર્યવંશીની પોલીસે ધરપકડ કરી

ઘટનાથી ડરી ગયેલી વિદ્યાર્થીની ત્રણ દિવસ સુધી ઘરમાં જ રહી બાદ પરિવારજનોને જાણ કરતા ફરિયાદ થઇ

વડોદરા: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કેસો વધી રહ્યા છે તે પછી નાની બાળકી હોય કે પછી પરિણીતા, હવે દિકરીઓ સલામત હોવાની વાતો પોકળ સાબિત થઇ છે. ત્યારે ફરી એકવાર સંસ્કારી નગરી શર્મસાર થઈ છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થિનીની છેડતી થઈ છે. જોકે આ ઘટનામાં કસૂરવાર આરોપી ઘનશ્યામ સૂર્યવંશીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા પર વધુ એકવાર સવાલ ઉઠ્યો છે. કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર હુમલો કરવામાં આવ્યો હતો. પીડિતાની પાડોશમાં રહેલા શખ્શે હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. આરોપીએ પીડિતાનું ગળું દબાવી તેની સાથે મારામારી કરી હતી. ઘટનાથી ડરી ગયેલી વિદ્યાર્થિની ત્રણ દિવસ સુધી ઘરમાં જ રહી હતી. જે બાદ પરિવારે હિંમત આપતા તેણે પોલીસ ફરિયાદ કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાની એમ એસ યુનિ.માં વધુ એક વિદ્યાર્થીની છેડતીના બનાવથી ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાની એમ એસ યુનિ.માં કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરી હુમલો કરાયો છે. યુનિ. બહારના ઘનશ્યામ સૂર્યવંશી નામના શખ્સે વિદ્યાર્થિનીની છેડતી અને હુમલો કર્યો છે. આરોપી ઘનશ્યામ સૂર્યવંશી વિદ્યાર્થિનીના બાજુમાં જ રહે છે. વિદ્યાર્થિની યુનિટ બિલ્ડિંગ પર હતી તે સમયે જ આરોપી આવીને ગળું દબાવ્યું અને બળજબરી કરી હતી.

આરોપી ઘનશ્યામ સૂર્યવંશીના હુમલાથી ડઘાઈ ગયેલી વિદ્યાર્થિની ત્રણ દિવસ સુધી ઘરમાં જ પુરાઈ રહી હતી. પરંતુ વિદ્યાર્થિનીને પરિવારે હિંમત આપતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ઘનશ્યામ સૂર્યવંશીની ધરપકડ કરી લીધી છે.

(5:53 pm IST)