Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બજેટમાં 'શ્રી અન્ન'ના ઉત્પાદક ખેડૂતો માટેની પ્રોત્સાહક વ્યવસ્થાઓથી નાના ખેડૂતોને મોટો લાભ થશે:રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગુજરાતના ડાંગ જિલ્લા ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં નાના ખેડૂતો જાડા ધાન-'શ્રી અન્ન'ની ખેતી કરે છે.

અમદાવાદ :  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બજેટ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, કેન્દ્રીય અંદાજપત્રમાં ‘શ્રી અન્ન’ના ઉત્પાદક ખેડૂતો માટેની પ્રોત્સાહક વ્યવસ્થાઓથી નાના ખેડૂતોને મોટો લાભ થશે. જેમાં ગુજરાતના ડાંગ જિલ્લા ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં નાના ખેડૂતો જાડા ધાન-‘શ્રી અન્ન’ની ખેતી કરે છે. અંદાજપત્રની જોગવાઈઓથી મિલેટ્સની ખેતી કરતા ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહન મળશે. નાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ઉત્સાહિત થશે. એટલું જ નહીં, ‘શ્રી અન્ન’ અને પ્રાકૃતિક કૃષિથી લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે.

 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામનને સમૃદ્ધ, સમર્થ અને સંપન્ન ભારતની સંકલ્પના સાકાર કરવા માટેના અમૃતકાળના આ લાભદાયી અંદાજપત્ર માટે અભિનંદન આપતાં અને આભાર માનતાં કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં યુવાનો પ્રયોગશીલ કૃષિ માટે પ્રેરાય એ હેતુથી એગ્રીકલ્ચર એક્સીલરેટર ફંડની જોગવાઈ કરવામાં આવી છે.

 

આ જોગવાઈથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધશે. રૂપિયા 2200 કરોડના આત્મનિર્ભર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામથી સારી ગુણવત્તાવાળા, રોગમુક્ત બાગાયતી પાકોનું ઉત્પાદન વધશે. બજેટની આ જોગવાઈઓથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને વિશેષ પ્રોત્સાહન મળવાની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત, કેન્દ્ર સરકારના બજેટને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે આવકારતા કહ્યું કે તમામ વર્ગ માટે ફાયદાકારક છે. દેશના ખેડૂત, ગરીબ, વંચિત, પીડિતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલું અમૃત બજેટ છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટીમાં વેપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ અને ડાયમંડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસના વખાણ કર્યા.મધ્યમવર્ગીય પરિવારોને ઈન્ક્મ ટેક્સમાં રાહતથી મોટો લાભ મળ્યો હોવાનું જણાવ્યું.

(8:54 pm IST)