Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

LRD : ખોટા પત્રથી નોકરી મેળવનારાને દૂર કરવા માંગ

અન્યાય અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગણી : વિધાનસભાનો ઘેરાવ કરવાનો તેમજ ભગતસિંહના માર્ગે આંદોલન કરવા ચીમકી : મામલો ગરમ બને તેવી શક્યતા

અમદાવાદ, તા. ૧ :  છેલ્લા દોઢેક મહિનાથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરનારને દૂર કરવાની માંગણી સાથે આદિવાસી સંગઠનો આંદોલન કરી રહ્યા છે અને નારાજ ઉમેદવારો હાલ ધરણાં પર બેઠા છે ત્યારે એલઆરડી ભરતીમાં અનામતમાં સમાવિષ્ઠ મહિલાઓને અન્યાય થતા અરવલ્લી જીલ્લાના ભિલોડામાં અને સાબરકાંઠાના ખેડભ્રહ્મામાં ગુજરાત આદિવાસી યુવા એકતા પરિષદ અને આદિવાસી સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓએ આજે રાજય સરકાર સામે સુત્રોચ્ચાર કરી સ્થાનિક મામલતદાર મારફતે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. ગુજરાત આદિવાસી યુવા એકતા પરિષદના આગેવાનો સહિત આદિવાસી સમાજના અગ્રણીઓએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી સરકાર સામે સુત્રોચ્ચાર કરી રોષ પ્રગટ કર્યો હતો. આવેદનપત્રમાં નેસ વિસ્તારમાં રહેતાં હોય તે સિવાયના રબારી, ભરવાડ અને ચારણ જાતિના લોકોને ખોટા પ્રમાણપત્રો રાજ્ય સરકારે આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે ખોટા પ્રમાણપત્ર રદ્દ કરવા અને લેનાર તથા આપનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

             ઉપરાંત, તા.૨૯-૧૦-૧૯૫૬ના પ્રેસિડેન્સિયલ ઓર્ડરથી ગીર, બરડો અને આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિઓનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેમને ઓબીસીમાં સમાવેશ કરવા ભારત સરકારમાં દરખાસ્ત કરવી અને ગુજરાત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલ ગેરબંધારણીય તમામ ઠરાવો, પરિપત્રો મૂળ અસરથી રદ કરવામાં આવે એ મતલબની પણ માંગ કરાઇ હતી. તદુપરાંત એલઆરડી ભરતીમાં પણ આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રો રજુ કરવામાં આવ્યા હોવાથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ હતી.

           આ સમગ્ર મામલે સાચા આદિવાસી અધિકાર બચાવો સમિતિ અને ગુજરાત આદિવાસી એકતા પરિષદ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવાનો કાયદો બનાવ્યો હતો કાયદાનો અમલનો અમલ કરવા માટે આદિજાતિ કમિશ્નરના નેતૃત્વમાં સમિતિ બનાવવામાં આવી હતી આ સમિતિએ ૨૦૦ થી વધુ ખોટા પ્રમાણપત્રો રદ કર્યા હતા પરંતુ અગમ્ય કારણોસર કે ભારે દબાણના કારણે રદ થયેલા ખોટા પ્રમાણપત્રોને એકાદ બે તક આપી પ્રમાણપત્ર માન્ય કરવાની કાર્યવાહી ચાલે છે જેથી આદિવાસી સમાજને ઘોર અન્યાય થતા આગામી સમયમાં વિધાનસભા ઘેરાવ કરવાનો અને ભગતસિંહના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાય તેવી શકયતા છે.

 

(9:14 pm IST)