Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ચંડોળા તળાવને કાંકરિયાની જેમ વિકસાવવા માટે તૈયારી

ચંડોળા તળાવ માટે પાંચ કરોડની જોગવાઇ કરાઈ : ખારીકટ કેનાલની સફાઇ માટે પણ ત્રણ કરોડની ફાળવણી પણ વર્ષોથી ખારીકટ ગંદી અને પ્રદૂષિત રહી છે : રિપોર્ટ

અમદાવાદ,તા. ૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં આજે શાસક પક્ષ ભાજપ દ્વારા ચંડોળા તળાવને પણ કાંકરિયા તળાવની તર્જ પર વિકસાવવા અને આકર્ષક બનાવવાની પરિકલ્પના રજૂ કરી હતી પરંતુ શાસક પક્ષના સત્તાધીશોની આ પરિકલ્પના સાચા અર્થમાં અને સમયસર સાકાર થશે કે કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે, પ્રાથમિક તબક્કે બજેટમાં ચંડોળા તળાવના વિકાસ માટે રૂ.પાંચ કરોડની ફાળવણી કરાઇ છે. પરંતુ જો કાંકરિયા તળાવની જેમ તેને વિકસાવવુ હોય તો પાંચ કરોડ રૂપિયામાં આ વાત શકય જ ના બને તે સીધી અને વાસ્તવિક વાત છે. બીજીબાજુ, શાસક પક્ષે ખારીકટ કેનાલની સફાઇ માટે પણ રૂ.ત્રણ કરોડની ફાળવણીની વાત કરી છે પરંતુ શહેરના પૂર્વના સમગ્ર પટ્ટાને સમાંતર વહેતી ખારીકટ કેનાલ વર્ષોથી ગંદી અને પ્રદૂષિત જ રહી છે અને સ્થાનિક લોકોથી માંડી ખુદ અમ્યુકો સત્તાધીશો માટે આ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની રહી છે તે પણ એક કરૂણતા છે. અમ્યુકોના બજેટમાં શાસક પક્ષે ચંડોળા તળાવને ફેઝવાઇઝ ડેવલપમેન્ટ કરવાની વાત આજે કહી હતી અને તેને કાંકરિયા તળાવની જેમ વિકસાવી ત્યાં પણ નગરજનો તળાવ અને તેની ફરતેના ઉભા થનારા આકર્ષણ સ્થાનોનો લાભ લે તે પ્રકારે એક પર્યટક સ્થળની જેમ વિકસાવવાની પરિકલ્પના રજૂ કરી હતી. આ માટે સત્તાધીશોએ રૂ.પાંચ કરોડની પ્રારંભિક જોગવાઇ પણ કરી હતી પરંતુ કાંકરિયા તળાવની જેમ જો ચંડોળા તળાવને વિકસાવવું હોય તો, પાંચ કરોડમાં આ પ્રોજેકટ સાકાર શકય નથી તેવું ખુદ જાણકારો માની રહ્યા છે. તેનું બીજુ એક કારણ એ પણ છે કે, આ બજેટમાં શાસક પક્ષે કાંકરિયા લેકફ્રન્ટ અને રિવરફ્રન્ટ ખાતે સ્માર્ટ લાઇટીંગ સીસ્ટમ માટે જ રૂ. બે કરોડની ફાળવણી કરી છે. જો માત્ર લાઇટીંગની વ્યવસ્થા માટે જ જો બે કરોડનો ખર્ચ થતો હોય તો, સમગ્ર ચંડોળા તળાવ અને તેની ફરતેના વિસ્તારના વિકાસ પાછળ  તો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની જરૂરિયાત ઉભી થાય. આ સંજોગોમાં શાસક પક્ષની આ ફુલગુલાબી સપનાની પરિકલ્પના સાકાર થશે કે કેમ તે મુદ્દે ભારે ચર્ચા છે. દરમ્યાન ચોમાસા દરમ્યાન કુદરતી રીતે પાણીના સંગ્રહ માટે કેટલાક તળાવોની ફરતે પાકી પાળ બાંધી આસપાસ પેવીંગ કરી વિકસાવવાનું આયોજન છે, તેમાં નિકોલ ગામ તળાવ, હાથીજણ તળાવ અને આંબલી તળાવના આ પ્રકારના વિકાસ કાર્ય માટે રૂ.બે કરોડની ફાળવણી કરાઇ છે.

(8:39 pm IST)