Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

સરકારને થતો ખર્ચ તે અમારી વિદ્યાર્થીદીઠ ફીઃ સંચાલકો

સરકારી શાળામાં એક વિદ્યાર્થીને ભણાવવાનો સરકારને વાર્ષિક ખર્ચ થાય છે તેટલી ફી વસુલવાની મંજુરી આપવા માંગ થશે : રાજય સરકાર ખુદ પ્રાથમીક કક્ષાએ છાત્ર દિઠ ૪૩ હજાર ખર્ચે છે તો ૧પ હજારની ફી કેવી રીતે પરવડેઃ કેટેગરી-સુવિધા પ્રમાણે ફી લેવાનું સરકાર અને સુપ્રિમ કોર્ટમાં સંચાલકો જણાવશેઃ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ બેઠક મળી

રાજકોટ, તા., રઃ રાજય સરકારે ગુજરાતમાં ખાનગી શાળાઓમાં લેવાતી મોંઘીદાટ ફી સામે ફી અધિનિયમ કાયદો બનાવ્યો જેને ગુજરાત હાઇકોર્ટે માન્ય ગણ્યો હતો. આ અધિનિયમ સામે ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલકોએ ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગી હતી. જેની ગઇકાલે સુપ્રિમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

સુપ્રિમ કોર્ટે ગઇકાલે ફી અધિનિયમ અંગે મહત્વનો ચુકાદો આપતા ઠેરવ્યું હતું કે, ગુજરાત સરકારે રચેલી ફી કમીટીને અમાન્ય ઠેરવી નવેસરથી નવુ ફીનું માળખું અને ફી કમીટી બનાવવા આદેશ કર્યો છે. ગુજરાત સરકારને ફી નિયમન એકટ હેઠળ એક જ અઠવાડીયામાં ફી રીવીઝન ઓથોરીટીમાં બે નિવૃત ન્યાયમુર્તિની નિમણંુક કરવા જણાવ્યું છે. ફી નક્કી કરતી કમીટીના વડા તરીકે હાઇકોર્ટના નિવૃત ન્યાયમુર્તિને રાખવા સુચવાયું છે.  ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટે ફી નિયમન કરવા અંગે રાજયને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. ફી નિર્ધારણ કમીટીએ જુદી જુદી શાળાઓના હિસાબો સ્ક્રુટીની ચકાસણી કરવાની થશે.  ત્યાર બાદ ફી નક્કી કરવામાં આવશે. ખાનગી શાળાઓ દ્વારા પુરી પાડવામાં આવતી સુવિધાઓને ધ્યાનમાં લેવા જણાવાયું છે.

સુપ્રિમ કોર્ટના મહત્વના ચુકાદા બાદ રાજકોટ અમદાવાદ સહિતના શહેરોમાં ખાનગી શાળા સંચાલકોના એસોસીએશને તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સરકારમાં રજુઆત અને સુપ્રિમ કોર્ટમાં ખાનગી શાળાઓની વાસ્તવીક સ્થિતિ રજુ કરવાની તેમજ વર્તમાન સ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી.

ખાનગી શાળા સંચાલકોએ એવો સુર વ્યકત કર્યો છે કે, રાજય સરકાર જે સરકારી શાળામાં એક વિદ્યાર્થી દીઠ ખર્ચ કરે છે તેટલી જ ફી અમારી માન્ય કરો. સરકાર જો સરકારી પ્રાથમીક શાળામાં વિદ્યાર્થી દીઠ ૪૩ હજાર રૂપીયાનો ખર્ચ થાય છે ત્યારે ખાનગી શાળાઓએ સ્વબળે ૧પ હજાર રૂપીયામાં શિક્ષણ કાર્ય કેવી રીતે કરાવી શકે? તેથી રાજય સરકાર જે ખર્ચ કરે છે તે મુજબ સ્વનિર્ભર શાળાઓની ફી માન્ય કરવા આગામી દિવસોમાં સુપ્રિમ કોર્ટમાં રજુઆત કરશે.

રાજય સરકારે પ્રાથમીકમાં ૧પ હજાર, માધ્યમિક શાળામાં રપ હજાર અને વિજ્ઞાન પ્રવાહની શાળામાં ર૭ હજારનો ખર્ચ કર્યો છે તે સંપુર્ણ અયોગ્ય છે, નવુ ફીનું માળખું અલગ-અલગ કેટેગરીવાઇઝ કરી સારૂ શિક્ષણ, ગુણવતાયુકત શિક્ષણ જળવાઇ રહે તે માટે સરકાર જે ખર્ચ કરે છે તે ખર્ચ આપવા શાળા સંચાલકો તેમનો પક્ષ નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ રાખશે.

ગઇકાલે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલની ન્યુએરા સ્કુલ ખાતે બેઠક મળી હતી જેમાં કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, રશ્મીકાંતભાઇ મોદી, જતીનભાઇ ભરાડ, રાજુભાઇ પરીખ, મેહુલભાઇ પરડવા, ભરતભાઇ ગાજીપરા, નરેશભાઇ પટેલ, અવધેશભાઇ કાનગડ, ડી.કે.વાડોદરીયા સહિતની કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા.

(3:31 pm IST)