Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

મેવાણીની ધાક? AMC ઓફિસ પહોંચે એ પહેલા જ ૪૩૨ પોલીસકર્મીઓ તૈનાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ કિલ્લામાં પરિવર્તિત થઇ ગઇ હતી

અમદાવાદ તા. ૨ : ગઇકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઓફિસ કિલ્લામાં પરિવર્તિત થઈ ગઈ હતી. વડગામના MLA અને દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણી કોર્પોરેશનની ઓફિસ પહોંચે તે પહેલા ભારે સિકયોરિટી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેની સાથે અન્ય છ લોકો પણ ઈસ્ટ ઝોનના સ્લમમાં રહેતા લોકોને સુવિધા આપવાનું મેમોરેન્ડમ લઈ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા હતા. મેવાણી પણ કોર્પોરેશનમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ૧૨ પોલીસ ઈન્સ્પેકટર, ૩૫ PSI અને ૩૮૨ અન્ય પોલીસકર્મીઓને કોર્પોરેશનના મકાનમાં તૈનાત જોઈ ચોંકી ગયો હતો.

ઘણા લોકો કોર્પોરેશનમાં મેમોરેન્ડમ આપવા જાય છે પરંતુ આ અગાઉ સ્ટાફે કયારેય કોઈ MLAના મેમોરેન્ડમ માટે આટલો ભારે બંદોબસ્ત નથી જોયો. પોલીસ કર્મચારીઓ ગુરૂવારે સવારે ૧૧ વાગ્યાથી કોર્પોરેશનની ઓફિસે તૈનાત હતી. કોર્પોરેશનના કમિશનરે ઓફિસ કામ માટે પહોંચેલી જાહેર જનતા અને કોર્પોરેટરોને બિલ્ડિંગમાં પ્રવેશવાની મનાઈ કરી દીધી હતી. મેવાણી ૪.૧૫ વાગ્યે કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યો હતો અને પોલીસ બંદોબસ્ત જોઈ દંગ થઈ ગયો હતો.

મેવાણીએ કહ્યું, 'AMCની ઓફિસમાં અમે માત્ર સાત જ જણ હતા. મારા માટે આટલી બધી પોલીસ બોલાવવી પડી એ જાણીને મને પણ નવાઈ લાગી. જો આ પોલીસ કર્મીઓને જે દલિતોની પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે આંચકી લેવાય છે તેમની મદદ માટે ઉપયોગમાં લેવામાં આવે તો વધુ સારો. અમે મેમોરેન્ડમ સબમિટ કરી દીધુ છે. પૂર્વ ઝોનના સ્લમમાં રહેતા લોકો માટે અમે ઘરની સુવિધા માંગી છે. ૮૦ પરિવારોને મકાન તોડી પાડવાની નોટિસ મોકલવામાં આવી છે. જો આ મુદ્દો ધ્યાનમાં લઈને તેના પર પગલા લેવામાં નહિ આવે તો AMCએ વિરોધનો સામનો કરવો પડશે.'

કારંજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર એમ.એ તલપદાએ જણાવ્યું, પોલીસ ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈનાત હતી.

(11:58 am IST)